(એજન્સી) કોલંબો, તા.ર૭
બૌદ્ધ સાધુઓના ઉગ્ર ટોળાએ મંગળવારે શ્રીલંકાની રાજધાની નજીક આવેલા રોહિંગ્યા શરણાર્થીઓ માટેના સંયુક્ત રાષ્ટ્રના સુરક્ષિત આશ્રય પર હુમલો કર્યો હતો અને સ્થાનિક સત્તાધીશોને રોહિંગ્યા શરણાર્થીઓને સ્થળાંતર કરાવવા માટે દબાણ કર્યું હતું. ભગવા વસ્ત્રો ધારણ કરેલ આ બૌદ્ધ સાધુઓના ઉગ્ર ટોળાએ દરવાજાઓને તોડીને બહુમાળી પરિસરમાં પ્રવેશ મેળવ્યો હતો જેથી કરીને બહુમાળી પરિસરના ઉપરના માળના ઓરડાઓમાં એકત્રિત થયેલા અને ભયભીત થયેલા રોહિંગ્યા શરણાર્થીઓને હાંકી કાઢવામાં આવે તેમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. પોતાનું નામ જાહેર ના કરવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે, અમે આ ઉગ્ર ટોળાને પાછું ધકેલી દીધું છે અને રોહિંગ્યા શરણાર્થીઓનું સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ગત મે મહિનામાં શ્રીલંકાના નેવી દ્વારા ઉત્તરીય ટાપુ વિસ્તારમાં ઊંધી પડેલી બોટમાં સવાર ૩૧ રોહિંગ્યાઓને બચાવી લેવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે આખરે રોહિંગ્યા શરણાર્થીઓએ ત્રીજા દેશમાં સ્થળાંતર કરવું પડ્યું. જો કે દસ્તાવેજોની સ્થગિત થયેલી પ્રક્રિયાને કારણે તેમને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. તેથી જો આ દસ્તાવેજોની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોત તો તેઓ આ સ્થળ પર રહેવા માટે અધિકૃત હતા. બૌદ્ધ સાધુઓનું જે ટોળું ઈમારતમાં ધસી આવ્યું હતું તેનું નેતૃત્વ ઉગ્ર સુધારાવાદી સિન્હાલે જાથિકા બલામુલુવાએ સંભાળ્યું હતું અને ત્યારબાદ અન્ય લોકોએ તેને સમર્થન આપ્યું હતું.