(સંવાદદાતા દ્વારા) બાવળા,તા.૩
અમદાવાદ ગ્રામ્યના બાવળા નગરમાં ઘાતક સ્વાઈનફ્લૂ ઉપરાંત ડેન્ગ્યુએ પણ કાળો કેર મચાવ્યો છે. ચોમાસામાં મચ્છર જન્ય રોગચાળાએ માથું ઉચક્યું હતું. જોકે હવે ચોમાસું પૂર્ણ થઈ ગયું છે. ત્યાં સ્વાઈનફ્લૂએ માથું ઉચક્યું છે.
જોકે ચોમાસામાં ઠંડકભર્યું અને ભેજવાળું અને હાલ ગરમીનું વાતાવરણ હોવાથી સ્વાઈન ફ્લૂનો ભરડો જોવા મળ્યો છે. આ સાથે જ ડેન્ગ્યુ અને મચ્છરજન્ય રોગચાળાએ પણ આતંક મચાવ્યો છે.રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સ્વચ્છ ભારત અભિયાનના ઢોલનગારાં પીટનારા સત્તાવાળાઓ ઠેર-ઠેર ગંદકીના કારણે મચ્છરોના ઉપદ્રવ પર નિયંત્રણ લાવી શક્યા નથી.પરિણામે ડેન્ગ્યુના કેસમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. જેમાં સૌથી ગંભીર અને ચોંકાવનારી બાબત એ છે કે નાનાં ભૂલકાંઓ ડેન્ગ્યુના વધુને વધુ ભોગ બની રહ્યાં છે.બીજીબાજુ ડેન્ગ્યુ જેવા રોગને ફેલાવો અટકે તે માટે સ્વચ્છતા અને મચ્છરોના ઉપદ્રવને નાથવા તંત્ર પાંગળુ સાબિત થયું છે. વકરતા જતાં રોગચાળાની સ્થિતિ વચ્ચે તંત્ર રાબેતા મુજબ સબ સલામતનાં ગાણાં ગાઇ રહ્યું છે.છેલ્લા એક મહિનામાં ફક્ત બાવળાની એક જ હોસ્પિટલ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ ૨પ૦થી ૩૦૦ કેસ નોંધાય છે અને હાલમાં ઘણા દર્દીઓ સારવાર હેઠળ છે.