(એજન્સી) લંડન, તા.૨૫
બીબીસી દ્વારા ૨૦૨૦ની પ્રતિભાશાળી મહિલાઓની જાહેર કરવામાં આવેલી યાદીમાં શાહીનબાગની દાદીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અગાઉ શાહીનબાગની દાદીને ટાઈમ મેગેઝિનના ૨૦૨૦ના ૧૦૦ પ્રતિભાશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. નાગરિક સુધારા કાયદા વિરૂદ્ધ દિલ્હીના શાહીનબાગ ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લઈ ૮૨ વર્ષીય બિલ્કીસ દાદી અખબારોના મથાળા બન્યા હતા. ત્યારથી બિલ્કીસ બાનુની ઓળખ બિલ્કીસ દાદી તરીકે થવા લાગી હતી. તેઓ સરકાર સામે વિરોધનો પ્રતિક બન્યા હતા. બીબીસીએ વાત પણ નોંધી હતી કે, ભારતીય પત્રકાર અને ગુજરાત ફાઈલ્સના લેખક રાણા ઐયુબે શાહીનબાગના દાદીને હાંસિયામાં ધકેલાયેલા લોકોનો અવાજ ગણાવ્યા હતા. બીબીસીએ એવું પણ નોંધ્યું હતું કે, તેઓએ મોદીના બહુમતીવાદના રાજકારણનો વિરોધ કરવા મહિલાઓને હિંમત પૂરી પાડી હતી. શાહીનબાગના દાદીએ તે સમયે જણાવ્યું હતું કે, મહિલાઓએ પોતાના ઘરોમાંથી બહાર આવી અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ. ફેબ્રુઆરી ૨૦૨૦માં શાહીનબાગના દાદીએ જણાવ્યું હતું કે, મોદીજી આ એક શરૂઆત છે, હજુ પણ સમય છે તમે નાગરિક સુધારા કાયદો પરત ખેંચી લો. જો તમે કાયદો પાછો ખેંચી લેશો તો અમે ઘરે પરત જતા રહીશું. અત્રે ઉલ્લેખનિય છે કે, શાહીનબાગ ખાતે સીએએ અને પ્રસ્તાવિત એનઆરસી વિરૂદ્ધ ૧૦૧ દિવસ સુધી ધરણાં યોજાયા હતા. શાહીનબાગના આ પ્રદર્શનોએ વિશ્વભરનું ધ્યાન ખેચ્યું હતું. શાહીનબાગને પગલે દેશના અન્ય ભાગોમાં પણ આ પ્રકારના દેખાવો યોજાયા હતા.
BBCની ૨૦૨૦ની ૧૦૦ મહિલાઓની યાદીમાં ‘શાહીનબાગના દાદી’નો સમાવેશ

Recent Comments