નવી દિલ્હી, તા.૬
રણજી ટ્રોફી સેશન ધીરે-ધીરે પોતાની સમાપ્તી તરફ વધી રહ્યું છે પણ ઘરેલું ક્રિકેટરો પરેશાન છે. ખૂબ જ આશ્ચર્યની વાત છે કે વિશ્વના સૌથી ધનવાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) તરફથી આ ખેલાડીઓને છેલ્લા બે સેશનની પોતાની મેચ ફી મળી નથી. પોતાના સંવિધાન અનુસાર બીસીસીઆઈ પોતાની કુલ વાર્ષિક કમાણીનો ૧૦.૬ ટકા હિસ્સો ઘરેલું ક્રિકેટરોને આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં લગભગ પ૦૦ ફર્સ્ટ કલાસ ક્રિકેટર ઘરેલું ટુર્નામેન્ટમાં દર વર્ષે ભાગ લે છે જ્યા મોટાભાગના ખેલાડીઓને પોતાના રાજ્ય એસોસિએશન તરફથી મળનારી વાર્ષિક કમાણીનો હિસ્સો મળી ગયો છે. જ્યારે બીસીસીઆઈ દ્વારા અપાનાર ૧૦.૬ ટકા હિસ્સાની મેચ ફી તેમને મળી નથી. એક ઘરેલું ક્રિકેટર એક સેશનમાં સરેરાશ ૧ર-૧પ લાખ રૂપિયાની કમાણી કરે છે. સૂત્રોની માનીએ તો દેશભરના લગભગ રપ ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓને બીસીસીઆઈ તરફથી પોતાની મેચ ફીના પૈસા મળ્યા નથી. મેચ ફીની ચૂકવણી સીઓએના હાથમાં છે જેટલી જલ્દી એજીએમનું આયોજન થશે તેટલું જ ઝડપી ખાતાઓનું ક્લિયરન્સ થશે. સીઓએ ચેરમેન હવે શું કરે છે તે જોવાનું રહ્યું.