મુંબઇ,તા.૧૫
કોરોના વાયરસને કારણે લગભગ બે મહિનાથી ઘરે કેદ ભારતીય ક્રિકેટરો થોડા દિવસોમાં મેદાન પર આઉટડોર પ્રેક્ટિસ કરતા જોવા મળી શકે છે. બીસીસીઆઈના કોષાઅધ્યક્ષ અરુણ ધૂમલે જણાવ્યું હતું કે જો સરકાર ૧૮ મેથી શરૂ થનારા ચોથા લોકડાઉનમાં રાહત આપે તો ભારતીય ક્રિકેટરો આઉટડોર પ્રેક્ટિસ શરૂ કરશે. ધૂમલે કહ્યું કે બીસીસીઆઈ લોકડાઉન હળવું થયા બાદ ૧૮ મે પછી કેવી રીતે ટોચના ખેલાડીઓ આઉટડોર પ્રેક્ટિસ શરૂ કરી શકશે તેના વિકલ્પોની શોધ કરી રહી છે.
તેમણે કહ્યું કે, આ મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્થળેથી બીજી જગ્યાએ મુસાફરી શક્ય નથી. આવા વિકલ્પમાં, ખેલાડીઓ તેમના ઘરની નજીકના મેદાન પર બેટિંગ અથવા બોલિંગની પ્રેક્ટિસ શરૂ કરી શકે છે. આ વિકલ્પ વિશે વિચારવામાં આવી રહ્યો છે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે બીસીસીઆઈ આ વિકલ્પ માટે સરકાર સાથે સંપર્કમાં છે.
અરુણ ધૂમલે કહ્યું કે, લોકડાઉન થયા બાદ ક્રિકેટરો માટેનો માર્ગમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ ક્ષણે, તેઓ એપ્લિકેશન દ્વારા તાલીમ લઈ રહ્યાં છે. ટ્રેનર નિક વેબે દરેક ખેલાડી માટે ફિટનેસ ડ્રીલની રચના કરી છે.