નવી દિલ્હી, તા.૧૭
જ્યારથી સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા છે ત્યારથી સતત ભારતીય ક્રિકેટ ફેન્સને એક પછી અકે સરપ્રાઇઝ મળી રહી છે. હવે અહેવાલ છે કે બીસીસીઆઈ મિની આઈપીએલ રમાડવાની યોજના પર વિચાર કરવાનું છે. મીડિયા રિપોટ્‌ર્સ મુજબ આ મુદ્દે ૫ નવેમ્બરે મળેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં મુદ્દો ઉઠ્યો હતો કે ચેમ્પિયન્સ લીગ બંધ થયા બાદ ખાલી પડેલા સમયને કેવી રીતે ભરી શકાય. એ સમયમાં કઈ ટૂર્નામેન્ટ રમાડી શકાય ?
એક રિપોર્ટ મુજબ, બીસીસીઆઈ ચેમ્પિયન્સ લીગ બંધ થયા બાદ ખાલી પડેલી જગ્યાને ભરવા અંગે વિચાર કરી રહી છે. બીસસીઆઈ ટૂંક સમયમાં જ મિની આઈપીએલ પર વિચાર કરી શકે છે. બેઠકમાં આઈપીએલના ચીફ ઓપરેટિંગ અધિકારી હેમાંગ અમીને ગવર્નિંગ કાઉન્સિલને જણાવ્યું હતું કે, ચેમ્પિયન્સ લીગ સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં ૧૫થી ૨૦ દિવસ સુધી આયોજિત કરવામાં આવતી હતી. સપ્ટેમ્બર અને ઑક્ટોબર ચેમ્પિયન્સ લીગનો સમય હતો તો એવામાં બીસીસીઆઈને વધુ એક આઈપીએલ લાવવી જોઈએ, જેના કારણે આઈપીએલ બ્રાન્ડનો વિસ્તાર થાય અને બીસીસીઆઈને નાણાકીય ફાયદો પણ મળે.બેઠકમાં આ મુદ્દે ચર્ચા બાદ કહેવામાં આવ્યું કે બીસીસીઆઈની બેઠકમાં તેનો નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે ચેમ્પિયન્સ લીગને ૫ વર્ષ પહેલા બંધ કરી દેવામાં આવી હતી, જેમાં દુનિયાભરની બેસ્ટ ટી૨૦ લીગ પરસ્પર મુકાબલા કરતી હતી. આ ટૂર્નામેન્ટ ૨૦૧૪ બાદ બંધ કરી દેવામાં આવી હતી.