(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
શહેરનો ચકચારીત અને પોલીસ માટે પડકારરૂપ ડીંડોલીના માતા – પુત્ર હત્યાનો ભેદ ઉકેલી પોલીસે મુખ્ય આરોપી સહિત બે આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ધરપકડ કરાયેલા બંને આરોપીને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરનાર હોવાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડીંડોલી પોલીસે ચકચારીત હત્યાના ગુનાના મુખ્ય આરોપી સુરેશ ગોતમ અને રિક્ષા ચાલક રામચેન્દ્ર ઉર્ફે ડબ્લ્યૂની ધરપકડ કરી છે. પોલીસે બંનેના સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે મોડી સાંજે કોર્ટમાં રજૂ કરનાર હોવાનું જાણવા મળે છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આ ગુનાનો મુખ્ય આરોપીએ માતા પુત્રના મૃતદેહને સગેવગે કરવામાં મદદરૂપ થનારા તેના પિતા રાધેશ્યામ ગૌયમ અને ભાઇ મુકેશ ગૌતમ હાલમાં વોન્ટેડ છે. બંનેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મુખ્ય આરોપી સુરેશ અને મરનાર મંજુદેવી વચ્ચે પ્રેમ સંબંધો હતો. આરોપી તેની સાથે લગ્ન કરવા અને ભાગી જવા માટે દબાણ કરતો હતો. જો કે, તેંણી ઇન્કાર કરી રહી હતી. જેથી નારાજ થઇને આરોપીએ મંજુદેવી અને તેના ત્રણ વર્ષના પુત્રને પેટમાં ચપ્પુ મારી હત્યા કરી બંનેના મૃતદેહ એક પ્લાસ્ટિકના કોથળીમાં નાંખી રિક્ષામાં લઇ જઇ રસ્તે ખેતરમાં ફેકીને ભાગી ગયા હતા. આ બ્લાઇન્ડ કેસને ડિટેકટ કરવા માટે સુરતથી યુપી સૂધી તપાસ લંબાવનાર પોલીસને અઢી મહિના પછી સફળતા મળી હોવાનું જાણવા મળે છે.