નડિયાદ, તા.૨૦
ખેડા તાલુકાના ગોવિંદપુરા ગામની સીમમાં અઢી મહિના અગાઉ હત્યા કરી ફેંકી દેવાયેલ યુવતીની લાશનો ભેદ ખુલતા એલ.સી.બી. પોલીસે ઈન્દોરના બેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. જામનગર જિલ્લામાં પરણાવેલ આ યુવતીની હત્યા તેના જ સંબંધીઓએ કરી હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના ગોવિંદપુરા સીમમાં ગત તા.૭-૬-૧૮ના રોજ હત્યા કરી ફેંકી દેવાયેલ યુવતીની લાશ મળી હતી. હિન્દીમાં હાથ પર કરીના કોતરાવેલ હતુ તે જોતા આ લાશ પરપ્રાંતિય યુવતીની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. ખેડા પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ હતી.
ખેડા એલ.સી.બી. પી.આઈ. વી.જે. રાઠોડની ટીમે આ બાબતે તપાસ હાથ ધરતા આ યુવતી ઈન્દોરની હોવાનું બહાર આવ્યું હતું. એલ.સી.બી. ટીમના તેજાજી નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં ફરિયાદી બહેન કિરણભાઈ પરશુરામ ખારોલ રહે. ટોની શેઠની મલ્ટી. ન્યુ રાનીબાગ, ઈન્દોરની તપાસ કરતા તેઓને મળી આવેલ અને તેઓ મરણ જનાર યુવતીનો ફોટો તથા તેના શરીરે કોતરાવેલ છુંદણા બતાવતા તેઓએ મરણ જનાર યુવતી પોતાની દીકરી કરીના હોવાનું જણાવેલ જેથી તેઓની પૂછપરછ કરતા મરણ જનાર યુવતીને રાજવીર નામના ઈસમ સાથે પ્રેમ સંબંધ હતો. જેથી આ રાજવીરની તપાસ કરતા તેણે જણાવેલ કે કરીના ગુમ થયા પછી મારા પર તેનો ફોન આવેલ રાજવીર પર જે નંબર પરથી ફોન આવેલ તે નંબરની તપાસ કરતા તે મોબાઈલ નંબર જામનગર જિલ્લાના જામપર ગામના વિશાલ ઘેટીયાનો હોવાનું જણાઈ આવેલ જેથી એલ.સી.બી.ની ટીમ મારફતે જામપરના વિશાલ ઘેટીયાને પૂછપરછ માટે લાવી તેની પૂછપરછ દરમ્યાન તેણે આ કરીના સાથે લગ્ન કરેલાનું જણાવેલ અને આ લગ્ન તેના ઈન્દોર રહેતા ગોપાલદાદાએ કરાવેલાનું જણાવેલ. જેથી ઈન્દોર રહેલ ટીમ મારફતે (૧) ગોપાલભાઈ મોહનભાઈ પાડલીયા (પટેલ) ઉ.વ.૬૦ની પૂછપરછ કરતા જણાવેલ કે આ હત્યા તેઓએ તેમજ તેમના મિત્ર (ર) દેવેન્દ્ર ભાલચંદ્રરાવ સરમન્ડલ (મરાઠી) રહે. ઈન્દોર સાથે મળીને કરી અને તેઓને વધુ તપાસ માટે નડિયાદ લાવીને તેમની વધુ પૂછપરછ કરતા તેઓએ આ કરીના દ્વારા ઈન્દોર જઈ તેઓની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ આપવાની ધમકી આપતા આ બંને જણાએ સામાજિક બદનામીના ડરથી કરીનાને મારવાનું કાવતરૂ ઘડીને ધોળકાથી ખેડા તરફ હાઈવેથી અંદર અવાવરૂ જગ્યામાં આવીને દોરડાથી ગળે ટૂપો આપી હત્યા કરી લાશ ફેંકી દીધેલાનો એકરાર કરતા ગોપાલભાઈ તથા તેમના મિત્ર દેવેન્દ્રભાઈને સીઆરપીસી ૪૧(૧)એ મુજબ પકડી અટક કરી ગુનાના કામે વપરાયેલ ગાડી સીઆરપીસી ૧૦ર મુજબ તપાસ અર્થે કબજે લઈ આગળની તપાસ ખેડા ટાઉન પો.સ્ટે.ના પોલીસ સબ ઈન્સ. એસ.એમ. પટણી ચલાવી રહેલ છે.