(એજન્સી) કાબૂલ, તા.૩૦
કાબૂલમાં સોમવારે થયેલા બે આત્મઘાતી હુમલાઓની જવાબદારી આઈએસઆઈએસએ સ્વીકારી હતી. આ હુમલાઓમાં ઓછામાં ઓછા રપ લોકો મૃત્યુ પામ્યા છે. જેમાં ચાર પત્રકારોનો સમાવેશ થાય છે. મૃત્યુઆંક હજી વધવાની આશંકા છે. આઈએસઆઈએસના પ્રચાર વિભાગ અમાક દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ બે આત્મઘાતી હુમલાખોરોએ અફઘાનિસ્તાનની જાસૂસી સંસ્થાના કાબૂલ સ્થિત મુખ્યાલયને લક્ષ્યાંક બનાવ્યો હતો. આ હુમલામાં મૃત્યુ પામનાર લોકોમાં એક ફોટો જર્નાલિસ્ટ સહિત અન્ય ત્રણ પત્રકારોનાં મૃત્યુ થયા હતા. કાબૂલ પોલીસ વડાના પ્રવક્તા હશ્મત સ્ટેન્કેઝાઈએ કહ્યું હતું કે, પહેલો હુમલાખોર મોટરસાઈકલ પર સવાર હતો જ્યારે બીજા હુમલાખોરે પગપાળા આવીને હુમલો કર્યો. બીજો હુમલાખોર પત્રકારોની વચ્ચે હતો. જેઓ પ્રથમ હુમલાનો કવરેજ કરવા માટે એકત્ર થયા હતા. અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ધાનીએ આ હુમલાની સખ્ત નિંદા કરી હતી. રાષ્ટ્રપતિના નિવાસસ્થાનેથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, નિર્દોષ નાગરિકો, મસ્જિદમાં ઈબાદત કરનારાઓ, રાષ્ટ્રીય અને લોકશાહી પ્રક્રિયાઓ, પત્રકારો અને વાણી-સ્વતંત્રતા પર થતાં હુમલાઓ યુદ્ધ ગુનાઓ છે.