કોડિનાર, તા.૨૮
કોડિનારમાં આજે સાંજના ૬ વાગ્યા આસપાસ સીંગવડા નદી પાસે જૂના મનદુઃખના કારણે બે ગ્રુપના લોકો વચ્ચે મારામારી થવાની ઘટના બની છે. આ મારામારીમાં એક ગ્રુપ દ્વારા ખાનગી ફાયરીંગના બેથી ત્રણ રાઉન્ડ થયાનું જાણવા મળે છે. મારામારીમાં ત્રણથી ચાર વ્યક્તિને ઈજા થયાનું પ્રાથમિક રીતે જાણવા મળે છે. ઘટનાની જાણ કોડિનાર પોલીસને થતા પોલીસ બનાવ સ્થળે પહોંચી જઈ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને બનાવ સ્થળેથી એક કરતા વધુ કારતુસના ખોખા કબજે લીધાનું જાણવા મળે છે. બનાવ અંગે પ્રાથમિક જાણવા મળતી વિગત મુજબ નાથા લખમણ તથા તેનો મિત્ર ભાવેશ દમણીયા ગ્રુપ તથા સામા પક્ષે બાબુડી ઉર્ફે ચંદ્રસિંહ રાઠોડ અને રફીક નામના શખ્સો વચ્ચે જૂના મનદુઃખને કારણે માથાકૂટ થઈ હોવાનું અને આ માથાકૂટમાં કોઈએ બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. ઘટનામાં ઈજા પામનાર નાથા લખમણને રા.ના.વાળા હોસ્પિટલમાં તેમજ ભાવેશ દમણિયાને સરકારી દવાખાનામાં સારવારમાં ખસેડાયા છે જ્યારે બાબુડી સહિત ઈજા પામનારને અન્યત્ર ખસેડાયા હોવાનું જાણવા મળે છે.