ભોપાલ, તા. ૯
ઇન્દોરથી ૪૦ કિલોમીટર દૂર આવેલા દેવાસ જિલ્લાના સુતરખેડા ગામમાં ૩૦મી ડિસેમ્બર ૨૦૦૭ના રોજ ૬૫ વર્ષના રશીદ શાહની માર મારી હત્યા અને તેમના ૨૭ વર્ષના પુત્ર જલીલ પર એસિડ હુમલો કરી મોતને ઘાત ઉતારાયો હતો જે બંને ઘટનાઓમાં સંઘના કાર્યકરોનો હાથ હતો. ઇન્દોરની હોસ્પિટલમાં ગંભીર રીતે દાઝી ગયેલા જલીલનું ૧૧મી જાન્યુઆરીએ મૃત્યુ થયું હતું જ્યાં આજ હુમલામાં ઘવાયેલા તેના બે ભાઇઓ પણ સારવાર લઇ રહ્યા હતા. આ હુમલા સંઘના પૂર્વ પ્રચારક સુનિલ જોશીની હત્યા બાદ કરવામાં આવ્યા હતા.
સુનિલ જોશીની ૨૯મી ડિસેમ્બર ૨૦૦૭ના રોજ દેવાસના ચુના ખદાન વિસ્તારમાં હત્યા થઇ હતી. હિંદુત્વ સંગઠનોએ તેની હત્યા પાછળ પ્રતિબંધિત સંગઠન સિમીનો હાથ હોવાનો આરોપ લગાવતા ૩૦મી ડિસેમ્બરે બંધનું એલાન આપ્યું હતું. આ દિવસે જ રશીદના પરિવાર પર હુમલો થયો હતો. જોશીની હત્યાનો કેસ હજુ ઉકેલાયો નથી કેમ કે બાદમાં એમ કહેવાયું હતું કે, તેની હત્યા તેના જ માણસોએ જ કરી હતી. એનઆઇએ અને રાજ્ય પોલીસે બે વિવિધ આરોપનામામાં સાધ્વી પ્રજ્ઞાસિંહને આરોપી ગણાવી હતી. જોકે, મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઇન્દોર બેંચે આજીવન કેદની સજા પામેલા પાંચ સંઘના લોકોને મુક્ત કરી દીધા હતા. ૩૧મી જુલાઇ ૨૦૦૯ના રોજ જ્યારે જોશીની હત્યા કોયડું જ હતી ત્યારે દેવાસની સેસન્સ કોર્ટે ભંવરસિંહ, મહિપાલસિંહ, ઓમપ્રકાશ, જસવંતસિંહ અને રાજપાલસિંહને આજીવન કેદની સજા આપી હતી કારણ કે, જલીલે મૃત્યુ સમયના નિવેદનમાં તેમના નામ આપ્યા હતા અને તેમને એ માટે ઓળખતો હતો કારણ કે, તેઓ તેનાજ ગામ નજીક રહેતા હતા. આ દરમિયાન જલીલના મોટા ભાઇ લતીફ શાહે જણાવ્યું હતું કે તે આરોપીનો છોડી મુકવાના કોર્ટના આદેશને ઉચ્ચ ન્યાયાલયમાં પડકારશે.