વાપી,તા.૬
વલસાડના તિથલ બીચ ખાતે તા.૩જી નવેમ્બરથી ૨જી ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન યોજાનાર બીચ ફેસ્ટીવલનો વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે દીપપ્રાગટય કરી શુભારંભ કરાવ્યો હતો.
આ અવસરે રમણભાઇ પાટકરે જણાવ્યું હતું કે, દિવાળીના અવસરે સહેલાણીઓને વેકેશનમાં ફરવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની મોજ માણવા મળે તે માટે રાજ્ય સરકારે આ પ્રકારના કાર્યક્રમો યોજવાનું આયોજન કર્યું છે. વલસાડના તીથલનો દરિયા કિનારો ખૂબ જ રળિયામણો છે. તીથલ બીચનો પ્રવાસન તરીકે વિકાસ કરવાની સાથે અને નારગોલ બીચનો પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકાસ કરવાનું આયોજન કરાયું છે.
સાંસદ ડો.કે.સી.પટેલે, વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ અને સાપુતારા ટીસીજીએલના મેનેજર રાજેન્દ્ર ભોસલેએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી તીથલ ખાતે યોજાનાર બીચ ફેસ્ટીવલના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તીથલ બીચ ફેસ્ટીવલના શુભારંભ અવસરે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણ, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકા પટેલ, તીથલના સરપંચ આરતીબેન, સહેલાણીઓ વગેરે હાજર રહ્યા હતા.
અમદાવાદ ટીસીજીએલના મેનેજર સનાતન પંચોલીએ આભારવિધિ આટોપી હતી.