આજના સમયમાં મોબાઈલ ફોન લોકોની મહત્ત્વની જરૂરિયાત બની ગયો છે. મોટા શહેરોથી લઈને અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી મોબાઈલ વગરની જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. છેલ્લા એક દાયકામાં દેશમાં મોબાઈલ વાપરનારાઓની સંખ્યા એટલી ઝડપથી વધી છે કે ભારત વિશ્વભરમાં બીજો સૌથી વધારે મોબાઈલ વાપરનારો દેશ બની ગયો છે. કિંમતમાં ઘટાડો અને ઉત્તમ ફિચર મળવાના કારણે મોંઘા બ્રાન્ડેડ સ્માર્ટ ફોનનો ઉપયોગ પણ વધી ગયો છે. એ જ કારણસર નાના શહેરોથી લઈને મહાનગરો સુધીની પ્રત્યેક ગલી-મોહલ્લામાં મોબાઈલ રિપેર કરવાવાળા મળી રહે છે.

આ મામલામાં બેઝિક હેન્ડસેટસ રિપેર કરવાવાળા સહેલાઈથી મળી જશે, પરંતુ મોંઘા અને બ્રાન્ડેડ મોબાઈલ રિપેર કરાવવા માટે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. બજારમાં મોંઘા મોબાઈલ સેટની સર્વિસ આપવાવાળા કુશળ લોકોની અછત છે. ખાસ પ્રકારની ટ્રેનિંગ લઈને તમે પૂરા આત્મવિશ્વાસની સાથે મોંઘા હેન્ડસેસની મરામતમાં પણ કાબેલિયત હાંસલ કરી શકો છો અને પોતાની આવક વધારી શકો છો અને આના માટે તમારે ક્યાંય દૂર જવાની પણ જરૂર નથી.

ઉત્તમ તાલીમ જરૂરી છે :

મોબાઈલ રિપેરીંગનું કામ એવું કામ છે, જેને તાલીમ વિના નથી કરી શકાતું. સામાન્ય રીતે મોબાઈલ કી-પેડ, ચાર્જિંગ, જોયસ્ટિક, પાઈક, રિંગર, સ્પીકર, કેમેરો, પાવર સ્વીચ, ટચ સ્ક્રિન, ડિસ્પ્લે સ્ક્રીન, નેટવર્ક, બ્લુટૂથ, સેટ હેંગ સાથે જોડાયેલી સમસ્યા આવે છે. ટ્રેનિંગ વિના આની મરામત કામચલાઉ જ થાય છે. ખાસ કરીને બ્રાન્ડેડ મોબાઈલ ફોનની મરામત માટે ટ્રેનિંગ લેવી અત્યંત જરૂરી છે. પ્રત્યેક નાના-મોટા શહેરોમાં આઈ.ટી.આઈ. અને અનેક ખાનગી સંસ્થાઓ મોબાઈલ રિપેરીંગના કોર્સ ચલાવે છે. સર્ટિફિકેટ કોર્સ ર-૩ અથવા છ મહિનાના પણ હોય છે. વધુ માહિતી માટે તમે અમુક વેબલીંક પર જઈ શકો છો. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન-દિલ્હી (www.iite.co.in), નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર ઈન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ- નોઈડા (www.niesbud.nic.in), જીઆરએએસ એકેડમી (www.grasacademy.in), આઈ.ટી.આઈ. કરોલબાગ – નવી દિલ્હી (www.itidelhi.com)

જાણો-સમજો ફોનને :

મોબાઈલ રિપેરીંગ કરવાના કામમાં ફોનના દરેક ભાગથી પરિચિત હોવું પણ જરૂરી છે. આના માટે તમારે બેઝિક કોમ્પોનેન્ટસ જાણવા પડશે. જેનો અર્થ છે મોબાઈલના એવા પાર્ટસ જેનો ઉપયોગ મોબાઈલના અથવા કોઈપણ સસ્તા-મોંઘા મોબાઈલને ઠીક કરવા માટે મોબાઈલના મધરબોર્ડ અથવા સર્કિટમાં કરવામાં આવે છે. બ્રાન્ડેડ મોબાઈલ બેઝિક કોમ્પોનેન્ટસ જેવા કે રેજિસ્ટેંસ, ક્વાઈલ, કંટ્રોલર, ફ્યુઝ, માઈકને ઓળખવું અને તેની કાર્યપ્રણાલી સમજવી ખૂબ જરૂરી છે.

અસલી સ્પેરપાર્ટસનો જ પ્રયોગ કરવો :

જ્યારે પણ તમે મોંઘા મોબાઈલની મરામત કરી રહ્યા હોવ, ત્યારે બગડી ગયેલ સ્પેર પાર્ટસની જગ્યાએ તેજ બ્રાન્ડના  અસલી સ્પેર પાર્ટસનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે જો મોટોરોલા કંપનીના ‘મોટો જી’ મોબાઈલના સ્પીકરમાં ફોલ્ટ આવી ગયો હોય તો તમે તેને બનાવતી વેળા તે જ કંપનીનું સ્પીકર લગાડો. જો તમે કંપનીનું સ્પીકર લગાવશો તો ૩૦૦ રૂપિયાનું ખર્ચ આવશે, જ્યારે લોકલ સ્પીકર ૮૦થી ૧૦૦ રૂપિયામાં મળી જશે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે કંપનીનું જ સ્પીકર લગાવવાથી તમે કરેલ કામ ખરાબ થવાની સંભાવના ખૂબ ઓછી થશે. આ તમારી શાખ માટે ઉચિત કામ કરશે.

સમસ્યા શોધવાની રીત :

મોબાઈલ ફોનમાં બે પ્રકારની સમસ્યા જોવા મળે છે – સોફટવેર અને હાર્ડવેરની. કોઈપણ સમસ્યા આવતા પહેલા સોફટવેર પર ધ્યાન આપો. ઉદા. જો મોબાઈલમાં રિંગટોનની સમસ્યા છે તો સૌથી પહેલા તેના સોફટવેરની તપાસ કરો. પ્રશિક્ષણ દરમિયાન ફોલ્ટ શોધવાનો ઉત્તમ અભ્યાસ કરવાથી તમને મોબાઈલ જોતા જ તેની જડ સુધી પહોંચી જશો. આનાથી તમારો સમય બચશે અને તમે પ્રભાવી રીતે કામ કરી શકશો.

આવક :

મોબાઈલ રિપેરીંગ કરવાવાળો મયંક બતાવે છે કે પહેલા સામાન્ય મોબાઈલને રિપેર કરવાથી જ્યાં મહિનામાં ૧૦-૧ર હજાર રૂપિયાની આવક થતી હતી, ત્યારે હવે બ્રાન્ડેડ મોબાઈલને રિપેર કરવાથી તે હવેથી આરામથી ર૦થી રપ હજાર રૂપિયા માસિક કમાઈ લે છે. તે સલાહ આપે છે કે કામમાં ઉત્તમ હોવા સાથે ગ્રાહકો સાથે સારા સંબંધ રાખવાથી પણ તમે વધારે ગ્રાહકોને આકર્ષિત કરવામાં સફળ થઈ શકો છો.

શીખવામાં એપની મદદ લો :

મોબાઈલ રિપેરીંગની ટેકનિક સમજવા માટે તમે મોબાઈલ એપ અને યુ ટ્યૂબ પર ટ્યૂટોરિયલ વીડિયોઝનો સહારો લઈ શકો છો. યુ ટ્યૂબ પર બધા જાણીતી કંપનીઓના મોબાઈલ રિપેરીંગના વીડિયો ઉપલબ્ધ છે.  તમે જે કંપનીના જે મોડલના રિપેરીંગ વિશે જાણવા માંગો છો તે કંપનીનું નામ નાખીને યુ ટ્યૂબ પર સર્ચ કરી શકો છો. જો તમે દરરોજ થોડો સમય આવા વીડિયો જોશો તો મોબાઈલ રિપેરીંગના તમારા હુન્નરને શ્રેષ્ઠ બનાવી શકો છો. ગૂગલ પ્લે સ્ટોરથી મોબાઈલ રિપેરીંગ એપ   ડાઉનલોડ કરી શકો છો. તેનો ઉપયોગ પણ તમારી ટ્રેનિંગને આસાન બનાવી દેશે અને ભવિષ્યમાં પણ લાભકારક સાબિત થઈ શકે છે.      – પ્રસન્ન પ્રાંજલ