(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧
શહેરના સગરામપુરા વિસ્તારની કે.પી. સંઘવી સંચાલિત ભારતી મૈયા હોસ્પિટલમાં યુવકનું મૃત્યું થતા પરિવારજનોએ તોફાન મચાવતા અઠવા પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને ઉશ્કેરાયેલા ટોળાને શાંત પાડવા માટેના પ્રયાસો આદર્યા હતા.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાંડેસરા વિસ્તારના સુખીનગરમાં રહેતા કમલેશ પાટીલ નામના યુવકને શ્વાસ લેવાની તકલીફ પડતા પરિવારે આ યુવકને ભારતીમૈયા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ગઈકાલે બપોરથી હોસ્પિટલમાં દાખલ કરાયેલા કમલેશ પાટીલનું આજે સવારે નિધન થતા પરિવારજનો હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા અને કમલેશ પાટીલના મૃત્યુ બાબતે હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ કરી તોફાન મચાવ્યુ હતુ. ટોળાએ વોચમેનને પણ ફટકાર્યો હતો અને તોડફોડ શરૂ કરતા હોસ્પિટલે પોલીસને જાણ કરતા અઠવા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને ઉશ્કેરાયેલા પરિવારને પોલીસે શાંત પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.