જામનગર,તા.૨૯
જામનગરના એક બૌદ્ધ મહિલાને સોમવારની રાત્રે નિદ્રાધીન હાલતમાં સર્પદંશ થતા તેણીના પરિવારે સર્પને મારી નાખી તે સર્પ ઝેરી છે કે કેમ ? તે બતાવવા માટે સાથે રાખી મહિલાને જી.જી. હોસ્પિટલમાં સારવારમાં ખસેડયા હતા જ્યાં તબીબોએ શરૂ કરેલી સારવાર દરમ્યાન ગઈકાલે સાંજે આ મહિલાનું મૃત્યુ નિપજતા મૃતકના પરિવારે સર્પ ઝેરી હોવા છતાં તબીબોએ યોગ્ય કાળજીથી સારવાર ન આપી હોવાનો આક્ષેપ મૂકતા અફડાતફડી મચી હતી. દોડી આવેલી પોલીસે મામલો થાળે પાડયો હતો.
જામનગરના ઢીંચડા રીંગરોડ પર આવેલી આદર્શ કોલોનીમાં રહેતા સુધાકરભાઈ ચક્રનારાયણ નામના બૌદ્ધ પ્રૌઢના પત્ની ઉષાબેન (ઉ.વ.પ૦) સોમવારની રાત્રે પોતાના ઘરે નિદ્રાધીન થયા પછી અઢીએક વાગ્યે ઘરના ખૂલ્લા રહેલા દરવાજામાંથી સરકીને આવેલો એક સર્પે આ મહિલાને દંશ દીધો હતો. જેથી જાગી ગયેલા ઉષાબેને બૂમ પાડતા દોડી આવેલા પરિવારજનોએ ઉષાબેનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરી દંશ દઈ નાસી રહેલા સર્પને પકડી મારી નાખ્યો હતો અને સારવાર કરનાર તબીબને સર્પ ઝેરી હતો કે કેમ ? તેની વિગત આપી શકાય તે માટે મરેલા સર્પને પણ સાથે રાખ્યો હતો.
ત્યાર પછી રાત્રે ત્રણેક વાગ્યે હોસ્પિટલ લાવવામાં આવેલા ઉષાબેનની તબીબોએ સારવાર શરૂ કરી હતી, પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલા ગઈકાલે ઉષાબેન પર કાળનો પંજો પડયો હતો. આથી સાંજે મૃતક મહિલાના પરિવારજનોએ આક્રંદ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.