(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
યુપીના મુઝફફરનગર ટ્રેન દુર્ઘટનામાં નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. ટ્રેન દુર્ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે રેલવે બે કર્મચારીની બહાર આવેલી ઓડિયો ક્લીપમાં રેલવેની બેદરકારી સામે આવી છે. રેલવે અધિકારીઓએ કહ્યું કે બેદરકારીનો સંકેત આપતી ઓડિયો ક્લીપની તપાસ કરવામાં આવશે. સ્થાનિક લોકોએ માનવીય ભૂલને કારણે અકસ્માત થયો હોવાનો આક્ષેપ કર્યો છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પણ કડક હાથે કામ લઈને તપાસનો આદેશ આપીને રેલવે સત્તાવાળાઓને આજના દિવસે રિપોર્ટ સોંપી દેવાનું કહ્યું છે.
ઘટનાક્રમના ૧૦ મુદ્દાઓ
૧. રેલવે બોર્ડના સભ્ય મોહમદ જમશેદે કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે પાટા પર મરામત કામ ચાલી રહ્યું હતું અકસ્માતનું કદાચ તે કારણ હોઈ શકે. પરંતુ સત્ય તપાસમાં બહાર આવશે.
૨. રેલવેના સૂત્રોએ કહ્યું કે અમે ખતોલી સ્ટેશન માસ્તરને ચેતવણી આપી હતી કે પાટાની મરામત ચાલી રહી છે. તેમણે એવો પણ દાવો કર્યો કે જ્યાં સુધી પાટાના સમારકામ પૂરુ ન થાય ત્યાં સુધીની ૨૦ મિનિટ સુધી આ ટ્રેક પર કોઈ ટ્રેનની અવરજવરને મંજૂરી ન આપવામા આવે.
૩. રેલવે વિભાગે એવું પણ સ્વીકાર્યું છે કે બે ટ્રેનો પસાર થઈ હતી અને અહિં આવતાં સુધી ધીમી પડી હતી. અધિકારીઓની વાત પરથી એવો સંકેત મળતો હતો કે સ્ટેશન માસ્તર દ્વારા આ ગાડીઓને સિગ્નલ આપવામાં આવેલું હોવું જોઈએ.
૪. ટ્રેન દુર્ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે રેલવે બે કર્મચારીની બહાર આવેલી ઓડિયો ક્લીપમાં રેલવેની બેદરકારી સામે આવી.
૫. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ ઓડિયો ક્લીપ ઘટનાસ્થળે તૈનાત એક ગેટમેન અને રેલવે કર્મચારી વચ્ચેની છે. જોકે આ કર્મચારીઓ વચ્ચેની વાતચીત અનૌપચારિક છે પરંતુ તેનાથી રેલવેની લાપરવાહીની પોલ ખૂલી છે.
૬. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી ઓડિયો ક્લિપમાં ગેટમેનને એવું કહેતાં સાંભળી શકાય છે કે દુર્ઘટનાવાળા પાટા તૂટેલા છે. ટ્રેન પસાર થતાં પહેલા ત્યાં મરામત કામ ચાલી રહ્યું હતું તેમ છતાં પણ ઉત્કલ એક્ષપ્રેક્ષને સિગ્નલ આપવામાં આવ્યું હતું.
૭. વાતચીત દરમિયાન ગેટમેને એવું પણ જણાવ્યું હતું કે અહિં નવા જુનિયર એન્જિનિયરની નિયુક્તી થઈ છે અને જુના કર્મચારી તેમની વાત સાંભળતા નથી.
૮. બીજી બાજુ સ્ટેશન માસ્તર રાજેન્દ્ર સિંહે એવો દાવો કર્યો કે મને તકનીકી ખામીની કોઈ માહિતી નથી. તેમણે કહ્યું કે જો મને આ વાતની ખબર હોત તો ટ્રેનને આગળ જવા દેવામાં ન આવી હોત.
૯. બહાર આવેલી ક્લીપ પર રેલવે અધિકારીઓએ એવું કહ્યું કે ઓડિયો ક્લીપની તપાસ કરવામાં આવશે અને દોષીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે આ ઓડિયો ક્લિપની પુષ્ટી કરવામાં આવી નથી.
૧૦. રેલવેએ મૃતકોના પરિજનો માટે ૩.૫ લાખના તથા ઘાયલો માટે ૫૦,૦૦૦ ના તેમજ ઓછી ઈજા પામેલા માટે ૨૫,૦૦૦ ના વળતરની જાહેરાત કરી છે. ઓરિસ્સા અને યુપી સરકારે પણ પીડિતો માટે વળતરની જાહેરાત કરી છે.