(એજન્સી) તા.૧૭
મેઘાલયના વાચાળ રાજ્યપાલ તથાગત રોયે જણાવ્યું હતું કે જે લોકો ભાગલાવાદી લાકતંત્ર ઇચ્છતા ન હોય તેઓ ઉ.કોરિયા ચાલ્યાં જાય. તથાગત રોયે ટ્‌વીટ કરીન ેજણાવ્યું હતું કે લોકતંત્ર અનિવાર્ય રીતે વિભાજનકારી છે અને જો તમે તેને ઇચ્છતા ન હો તો ઉ.કોરિયા ચાલ્યાં જાવ.
રાજ્યપાલના આ વિવાદાસ્પદ ટ્‌વીટ પર કેન્દ્ર હવે ડેમેજ કંટ્રોલ મોડમાં હોય એવું લાગે છે.તથાગત રોયે ૧૩ ડિસે.ના રોજ વિવાદી ટ્‌વીટ કર્યુ હતું. જ્યારે રાષ્ટ્રપતિભવનમાંથી ૧૬ ડિસે. જારી કરાયેલ નોટિફીકેશનમાં જણાવ્યું છે કે તથાગત રોયની રજા દરમિયાન નાગાલેન્ડના રાજ્યપાલ આર એન રવિ તેમના પોતાની ફરજો ઉપરાંત મેઘાલયના રાજ્યપાલ તરીકે પણ કામ કરશે.
આથી એવું કહેવાય છે કે તથાગત રોયે ઉ.કોરિયાને લઇને જે ટ્‌વીટ કર્યુ હતું તેના કારણે તેમને રજા પર ઉતારી દેવાયા છે. જો કે રાજ્યપાલ તથાગત રોય આવા અહેવાલોને બેફામ અફવા તરીકે ગણાવે છે. મેઘાલયના રાજ્યપાલે આ અંગે સ્પષ્ટતા કરી છે કે તેઓ રાબેતા મુજબ રજા પર જઇ રહ્યાં છે અને તેથી રાજ્યનો અધિક હવાલો નાગાલેન્ડના રાજ્યપાલને સોપવામાં આવ્યો છે. પરંતુ મેઘાલયના ભાજપના નેતાઓ તેમજ પડોશી રાજ્ય આસામના નેતાઓ એવો દાવો કરે છે કે મેઘાલયમાં ભાજપની સ્થિતિને નુકસાન પહોચાડવા બદલ તેમને કેન્દ્ર દ્વારા રજા પર ઉતરી દેવા જણાવ્યું છે કારણકે તેમણે વંશીય ટિપ્પણી કરી હતી. પરંતુ તથાગત રોયે પત્રકારોના સંદેશાને રીટ્‌વીટ કરીને એવો દાવો કર્યો હતો કે તેઓ રૂટીન હોલિડે પર છે. ભાજપના મેઘાલય એકમે પણ તથાગત રોયની ઉ.કોરિયાની ટિપ્પણીને વખોડી કાઢી હતી. ભાજપના ધારાસભ્ય સાનબોર શુલઇએ જણાવ્યું હતું કે પક્ષના કેન્દ્રીય નેતાઓ સામે પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે.