કોડિનાર, તા.૧ર
કોડિનાર તાલુકાના ઘાંટવડ ગામ અને તેના લગત વિસ્તારોમાં ચાલતી બેફામ ખનિજ ચોરી અને આ ખનિજ ચોરી સંબંધના આધાર પુરાવા સાથેની વારંવાર રજૂઆતો છતાં રાજ્યનું ખાણ-ખનિજ ખાતું ખાણ માફિયા સામે કોઈ જ પગલા ભરતુ ન હોઈ ઘાંટવડ ગ્રામ પંચાયતના સભ્યો સહિતની જનતા દ્વારા કોડિનાર મામલતદારને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી તા.૧પ સુધીમાં ખનિજ ચોરો સામે પગલા ભરવા અન્યથા જનતા રેડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને તેમાં આવનારા પરિણામની જવાબદારી જે તે તંત્રની હોવાની જાણ ઘાંટવડ ગ્રામ પંચાયત દ્વારા તંત્રને કરવામાં આવી છે.
ગીર અભ્યારણ્ય આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખાણ માફિયાઓ દ્વારા ગેરકાયદે પથ્થર કાપવાની ચકરડીઓ મુકી ખનન કાર્ય ચાલુ કરેલ છે. આ અંગે જે તે વિસ્તારના જાગૃત લોકો દ્વારા ખાણ ખનિજ તંત્ર સહિતનાને વારંવાર જાણ કરવા છતાં તંત્ર દ્વારા કશા જ પગલા નહીં લેવાતા લોકોમાં અનેક શંકા-કુશંકા ઊભી થઈ છે. ગીર અભ્યારણ આસપાસના ૧૦ કિ.મી.ના વિસ્તારમાં માઈનિંગ કામ ઉપર પ્રતિબંધ છે તેમજ ગીર અભ્યારણ્ય વિસ્તારમાં સુર્યાસ્ત પછી પ્રવેશ બંધી છે ત્યારે જામવાળા ગીર ખાતે તો ચેકપોસ્ટ પછીના વિસ્તારમાં મોટા પાયે ખનન કામગીરી ચાલે છે. ખનન કામગીરીના સાધનોના અવાજથી વન્ય પ્રાણીઓને પણ ખલેલ પહોંચે છે. ૃસામાન્ય રીતે કોઈ માણસ અભ્યારણ્યમાં રાત્રિ દરમ્યાન પ્રવેશ કરે તો તેના ઉપર સુરાપુરા થતુ જંગલ ખાતુ આવડી મોટી ગેરકાયદે ખનન બાબતે ચૂપ કેમ છે ? જંગલ આસપાસ થતા ખનન બાબતો વનતંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી ખનન કામ કરતા તત્ત્વોને પ્રોત્સાહન આપી પોતાના હાથ પણ કાળા કરી રહ્યાનું નકારી શકતુ નથી.