નવી દિલ્હી, તા. ૮
આતંકવાદના ખોટા આરોપો ઘડી અબ્દુલ વાહિદ શેખને ૨૯મી સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ પકડી લેવામાં આવ્યો અને પોલીસ કસ્ટડીમાં ક્યારેય સમાપ્ત નહીં થનારા જુલ્મોનો સિલસિલો શરૂ થયો. જોકે, ૨૬મી નવેમ્બર ૨૦૧૫ના રોજ અબ્દુલ વાહિદ શેખને આરોપમુક્ત કરી દેવામાં આવ્યો હતો. વાહિદ શેેખ તો ફક્ત એક નામ છે પરંતુ ભારતની જેલોમાં કોણ જાણે કેટલાય વાહિદ શેખ આજે પણ નિર્દોષ લોકો સબડી રહ્યા છે અને દોજખ જેવી જીંદગી જીવવા પર મજબૂર છે. જોકે, હવે વાહિદ શેખે જેલવાસ દરમિયાન પોતાના પર ગુજારાયેલા અત્યાચારોને પુસ્તક દ્વારા દુનિયા સામે મુક્યા છે. ‘બેગુનાહ કેદી’ નામના આ પુસ્તકમાં આતંકવાદના ખોટા કેસોમાં ફસાવાયેલા મુસ્લિમ યુવાનોની દર્દભરી દાસ્તાનની વિગતો આપવામાં આવી છે. એટલું જ નહીં આ પુસ્તકમાં એજન્સીઓનો ડરામણો ચહેરો, એટીએસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓની કાર્યપ્રલાણી, ટોર્ચર, કાનુની દાંવપેચ, અદાલતોના રહસ્ય જાણવા સાથે આતંકવાદના કેસોને પહોંચી વળવા માટે કાયદાકીય મદદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં બોમ્બ બ્લાસ્ટના કેસો, પોલીસ અને મીડિયાના દાંવપેચની હકીકત પણ જાણવા મળશે. પુસ્તકને દિલ્હીના પ્રકાશકે હિન્દી તથા ઉર્દૂ બંને ભાષામાં પ્રકાશિત કર્યું છે. પુસ્તકની કિંમત ૩૦૦ રૂપિયા રાખવામાં આવી છે જે પ્રકાશક સાથે સંકળાયેલી દુકાનો તથા તેની વેબસાઇટ પરથી પણ મેળવી શકાય છે.