ગુજરાતમાં માથું ઊંચકતી ગુનાખોરી

તસવીરમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત પી.એસ.આઈ. દૃશ્યમાન થાય છે.   

(તસવીર : રાજેશ વસાવે, દાહોદ)

 

દાહોદ, તા.રપ

રાજ્યમાં દિન-પ્રતિદિન ગુનાખોરીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. ગુનેગારોના મનમાં કાયદા અને વ્યવસ્થાનો ખૌફ જરાય નથી જેના પરિણામે તેઓ પોલીસની સામે પણ ગુનો આચરતા ખચકાતા નથી ત્યારે જ્યાં પોલીસ જ સુરક્ષિત નથી ત્યાં જનતાનું શું ? જેવો પ્રશ્ન ઊભો કરતો બનાવ દાહોદ જિલ્લાના રાબડાળ ગામે બન્યો છે. જેમાં પેરોલ પર છૂટીને આવેલા કુખ્યાત આરોપીને ઝડપવા જતી પોલીસ ઉપર આરોપીએ ફાયરિંગ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.  દાહોદ જિલ્લાના રાબડાળ ગામે શનિવારની  મોડી રાત્રે સરપંચની ચૂંટણીના પ્રચાર દરમ્યાન કુખ્યાત એવા  સુરમલ માવી કે જે અનેક ચોરી લૂંટ તેમજ ધાડની ઘટનાઓમાં સંડોવાયેલો છે અને બરોડા મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના આરોપી તરીકે સજા કાપી રહ્યો હતો. જો કે પેરોલ પર થોડા સમય અગાઉ સુરમલ જેલની બહાર આવ્યો હતો અને પેરોલ પૂર્ણ થયા બાદ પણ પરત જેલમાં નહિ જતા તેને ઝડપી પાડવા માટે પોલીસ ગત રાત્રે બાતમીના આધારે રાબડાળ ગામે પહોંચી હતી જ્યાં પેરોલ ફર્લોની ટીમ પર સુરમલ માવીએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે ફાયરિંગમાં કોઈ પણ પોલીસ કર્મીને ઈજાઓ પહોંચી નહોતી. સ્વબચાવમાં પોલીસ દ્વારા પણ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે ઘબરાઈ ગયેલો સુરમાળ તેના સાગરિત સાથે બાઈક પર ફરાર થવાની કોશિસ કરતા પોલીસે સુરમલ  તેમજ તેના સાગરિતને ઝડપી પાડ્યા હતો. જો કે નીચે પડી જતા એક પી.એસ.આઈ.ને ઈજાઓ પહોંચતા તેમને દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સુરમલ માવી દ્વારા આ પહેલા પણ દાહોદના જ એક પી.એસ.આઈ. પર ફાયરિંગ કરવામાં આવ્યુું હતું. અને સુરમલ માવી દ્વારા ફરીથી પોલીસ પર  ફાયરિંગ કરવામાં આવતા પોલીસે ખૂનની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ  હાથ ધરી છે.