અમદાવાદ, તા.રપ
અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં ગંજશહીદ કબ્રસ્તાનની સામેના ભાગે આવેલ સ્વ. લાલજીભાઈ પરમાર હોલની પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂા.૧ કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે. છેલ્લા એકાદ વર્ષથી ઉદ્‌ઘાટનના અભાવે આ પાર્ટી પ્લોટ ખુલ્લો ન મૂકાતા આજરોજ પ્રજાએ જ આ પાર્ટી પ્લોટ ખુલ્લો મૂકી માજી મ્યુનિ. કાઉન્સિલર સ્વ.અલાબક્ષ નુરભાઈ શેખ નામાભિધાન કર્યું હતું.
આ અંગે બહેરામપુરા વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર બદરૂદ્દીન શેખે જણાવ્યું છે કે બહેરામપુરા વોર્ડમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા આજથી એક વર્ષ અગાઉ રૂા.૧ કરોડના ખર્ચે પાર્ટીપ્લોટ બનાવવામાં આવ્યો છે. હાલ લાલજીભાઈ પરમાર હોલ છે તેની બરાબર પાછળના ભાગમાં આ પાર્ટીપ્લોટ બનાવવામાં આવ્યો છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠેલા ભાજપના શાસકોએ લોકાર્પણ માટે સમય ન ફાળવાતા પાર્ક અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયો છે. આ બંધ પાર્કમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવતા સ્થાનિક રહિશોએ મને જાણ કરી હતી. દરમિયાન સ્થાનિક હિન્દુ-મુસ્લિમ રહીશો આજે આ પાર્ક ખાતે એકઠા થયા હતા અને જાતે જ આ પાર્ટીપ્લોટનું લોકાર્પણ કરી નાખ્યું હતું અને પાર્ટીપ્લોટ કમ પાર્કનું નામ આ વિસ્તારના પૂર્વ મ્યુનિ. કાઉન્સિલર સ્વ. અલાબક્ષ નુરભાઈ શેખ નામ પણ આપી દીધું હતું.