કોમી એકતાને કાયમી કરવા ફિરકાપરસ્તી કરનારા ઉપર પ્રેમનો વરસાદ વરસાવવો પડશે • મહિલા હોવા છતાં ભાઈઓની જેમ આગળ

આવી તિસ્તા સેતલવાડ જીવના જોખમે ગુજરાતના મુસ્લિમોને ન્યાય અપાવવા લડત લડી રહ્યાં છે : મૌલાના અરશદ મદની

 

(સંવાદદાતા દ્વારા)                          અમદાવાદ, તા.૭

અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશને આઝાદ કરાવવામાં જેનો કોઈ ફાળો ન હતો અને જેઓ અંગ્રેજોના દલાલ હતા. તેઓ આઝાદીમાં શહીદી વ્હોરનારાના પરિવારજનો પાસે આજે દેશભક્તિની સાબિતી માંગી રહ્યા છે ત્યારે એટલું કહીશ કે જે ઈસ્લામ ધર્મમાં માના  કદમોમાં જન્નત હોવાનું કહ્યું છે તે જ ઈસ્લામ ધર્મને માનનારા ધરતી માતાની વિરૂદ્ધ કેવી રીતે હોઈ શકે. એટલે હિન્દુસ્તાનના મુસ્લિમોએ દેશભક્તિની સાબિતી આપવાની જરૂર નથી. તેઓ મુસ્લિમ છે તે જ દેશભક્તિનું સૌથી મોટું સબૂત છે. એમ જમિયત ઉલ્માએ હિન્દ દ્વારા અમદાવાદમાં યોજાયેલી કોમી એકતા કોન્ફરન્સમાં આચાર્ય પ્રમોદ ક્રિશ્નમજીએ જણાવ્યું હતુ.

મૌલાના અરશદ મદની ગ્રુપના જમિયત ઉલમાએ હિન્દ દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી કોમી એકતા કોન્ફરન્સમાં રાજ્યભરમાંથી જનમેદની ઉમટી પડી હતી. આ જનમેદનીને સંબોધતાં આચાર્ય પ્રમોદ ક્રિશ્નમજીએ જણાવ્યું હતું કે ગાંધીજીની ધરતી પરથી ઊભા થયેલા લોકો રાજકારણમાં પોતાના ફાયદા માટે હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે ત્યારે આજે ગાંધીજીનો આત્મા રોતો હશે. આવા લોકો ગાંધી, ગંગા અને ગુજરાતની વાત કરે છે. પરંતુ આ ત્રણેય સાથે તેમને કોઈ નિસબત નથી. કેમ કે તેઓએ ગાંધીજીની હત્યા કરી તેમના ચશ્મા આજે સ્વચ્છ ભારતમાં લગાવી દીધા. ગાયની વાત કરે છે તો ગુજરાતમાં ગાય માતા છે જ્યારે આસામ અને ગોવામાં ગાયની ઉપેક્ષા કરવામાં આવે છે. બેસહારા અખલાકને મારવો એ હિન્દુત્વ નથી. જો ખરેખર આ લોકોને ગાયની ચિંતા હોય તો સમગ્ર દેશમાં ગૌવંશની હત્યા મુદ્દે એક કાનૂન લાવે. તદુપરાંત ગાય કપાય છે એટલે તે વેચાતી હશે અને વેચાતી હોય તો વેચનારા સામે પણ પગલાં ભરો. જો તેમ થશે તો ઝઘડો જ ખતમ થઈ જશે. ૩ વર્ષમાં ગંગા નદીમાં ૩ ઈંચ પણ સફાઈ થઈ નથી. તેમની નિયતમાં જ ખોટ છે. વધુમાં આચાર્ય ક્રિશ્નમજીએ હાલમાં ચાલી રહેલા ટ્રીપલ તલાકના મુદ્દે જણાવ્યું હતું કે મુસ્લિમ મહિલાઓની ચિંતા સરકારમાં બેઠેલા એવા લોકો કરી રહ્યા છે જેઓના લગ્ન થયા નથી અને જેમના થયા છે તેઓ પત્નીને સ્વીકારતા નથી. ત્યારે આપણને બંધારણ મળ્યું છે એટલે કોઈપણ ધર્મમાં દખલગીરી કરાશે તો સૌથી પહેલાં અમે વિરોધ કરીશું. તિસ્તા સેતલવાડ સહિતના લોકો એવા છે કે જેઓ વાત કરવામાં નહીં પણ ખરા અર્થમાં લોકોને ન્યાય મળે તે માટે લડત લડી રહ્યા છે. આ સ્ટેજ પરથી એટલું કહેવા માંગું છું કે આજે દેશને તોડવાનું કામ કરી રહેલા નેતાઓ સામે લડવા આપણે સૌએ એક થવું જરૂરી છે. તેમજ દેશમાં કોમી એકતાની મહેક પ્રસરાવવા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાંએ મળીને નફરતને હરાવીને મહોબ્બતને જીતાડવી પડશે. અંતમાં આચાર્ય પ્રમોદજીએ કહ્યું કે ગાંધીજીના સંકલ્પ, કુરબાની  અને તેમના જીવન ઉપર નજર કરૂં તો મને મોહમ્મદ અરશદ મદનીમાં વધુ એક ગાંધી નજરે પડી રહ્યા છે કે જેઓ દેશમાં કોમી એકતા જળવાય તે માટે કાર્ય કરી રહ્યા છે.

કોમી એકતા કોન્ફરન્સને સંબોધતાં જમિયત ઉલમાએ હિંદના પ્રમુખ મૌલાના સૈયદ અરશદ મદનીએ જણાવ્યું હતું કે આજે સૌથી મોટો ખતરો એ છે કે હિન્દુત્વવાદી લોકો ધર્મનિરપેક્ષ સિસ્ટમને આગ લગાડીને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. નેપાળ જેવો નાનો દેશ ધર્મને સાચવી શક્યો નથી. ત્યારે  ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવાશે તો બરબાદ થઈ જશે. જ્યારથી ભાજપ સત્તામાં આવ્યો છે ત્યારથી મુસ્લિમોને હેરાન કરવામાં આવે છે. આજે ઈસ્લામ ધર્મને આતંકવાદ સાથે સરખાવવામાં આવે છે. ત્યારે હું કહેવા માંગું છું કે ઈસ્લામ ધર્મ તો એવું કહે છે રસ્તામાં પડેલી કોઈ વસ્તુથી કોઈને ઈજા થાય કે નુકસાન થાય તો તેને હટાવી દો. તેવું કરનારો જ સાચો અને પાકો મુસલમાન કહેવાશે. જ્યારે ઈસ્લામ ધર્મ આવી શીખ આપતો હોય ત્યારે તેને આતંકવાદ સાથે કોઈ રીતે સરખાવી શકાય જ નહીં. આજે દેશમાં ફિરકાપરસ્તી કરનારા લોકો  વધી રહ્યા છે. ત્યારે કોમી એકતાને કાયમી કરવા આવા લોકો ઉપર પ્રેમ અને મહોબ્બતનો વરસાદ વરસાવવો પડશે. તેમજ દરેક સમાજના સુખમાં અને દુઃખમાં આપણે હાજર રહેવું જોઈએ. આપણા વ્યક્તિત્વમાં પ્રેમને પેદા કરવો પડશે. વધુમાં મૌલાના અરશદ મદનીએ જણાવ્યું હતું કે, કર્મશીલ તિસ્તા સેતલવાડ મહિલા હોવા છતાં હિંમત હાર્યા વગર ભાઈઓની જેમ આગળ આવીને પોતાના જીવના જોખમે ગુજરાતના મુસ્લિમોને ન્યાય અપાવવા લડત લડી રહ્યાં છે. ભારત દેશની આઝાદીની લડાઈમાં જમિયતના યોગદાન ઉપર વિસ્તૃત રોશની પાડી હતી. તેમજ નિર્દોષ અને બેસહારા લોકોને સહાય કરતા જમિયત ઉલ્માએ હિંદ દ્વારા પાંચ હિન્દુ આરોપીઓને ફાંસીની સજા હતી. તેઓને છોડાવ્યા હોવાની વાત કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. તદુપરાંત તેમણે કહ્યું હતું કે રાજકારણ સાથે અમારે કોઈ લેવા દેવા નથી. આ દેશ ઉપર જેટલો હિન્દુઓનો હક્ક છે. એટલો જ મુસ્લિમોનો અને અન્ય સમાજનો પણ હક્ક છે. અમે બહારથી આવ્યા નથી. અમે અહિંયા જ રહીશું. આ અમારો પણ દેશ છે.

 

કોમી એકતા કોન્ફરન્સમાં દલિત અગ્રણી રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે કોઈપણ જગ્યાએ સરકાર દ્વારા ઉદ્‌ઘાટન પ્રસંગે કે ખાતમૂહુર્ત પ્રસંગે માત્ર એક જ ધર્મની વિધિ કરવામાં આવે છે. ત્યારે આવા પ્રસંગોએ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ધર્મના ધર્મગુરૂઓને પણ ત્યાં બોલાવીને પ્રાર્થના કરાવવી જોઈએ. દેશને અઘોષિત પણે હિન્દુ અને બ્રાહ્મણ રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું છે. એટલે દેશની એકતા ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે. તેના માટે દરેક સમાજે ભેગા થવું પડશે. આ દેશ આપણો જ છે અને આપણને કોઈપણ કાઢી શકશે નહીં.

 

 

આ પ્રસંગે શીખ ધર્મના જ્ઞાની રતનસિંહજીએ જણાવ્યું હતું કે કોમી એકતાના આ પ્રકારના કાર્યક્રમો થવા જ જોઈએ. દરેક ધર્મ સારા છે અને તમામ ધર્મ સત્ય તરફ લઈ જાય છે ત્યારે આજે કેટલાક લોકો ધર્મના નામે લોકોને લડાવવાનું કામ કરે છે. પોતાના ધર્મને જ સારો બતાવી બીજાના ધર્મને નીચો દેખાડવાનું કામ કરી રહ્યા છે. તે ખોટું છે. દરેક ધર્મ જ બીજા ધર્મનું સન્માન કરવાનું શીખવે છે.

 

 

 

પાટીદાર અનામત આંદોલનના અગ્રણી કે.ડી. શેલડિયાએ જણાવ્યું હતું કે બે કોમ વચ્ચે દુશ્મની ફેલાવવાનું કામ રાજકારણિયાઓનું છે. ત્યારે આપણે જ જાગૃત થવું પડશે. પાટીદારો જે રીતે લડે છે તે રીતે મુસ્લિમોએ પણ લડવું જોઈએ. પાટીદારોની લડાઈમાં તમે આવો અને તમારા પર અત્યાચાર થશે તો અમે આવીશું. આજે દેશને ફરીથી આઝાદ થવાની જરૂર છે. આદિવાસી, દલિત, મુસ્લિમ, પાટીદાર એક મંચ ઉપર આવશે તો ગાંધીનગર જ નહીં પણ દિલ્હીની હવા ટાઈટ થઈ જશે.

 

 

મૌલાના ગુલામ મુસ્તુફા એહસાનીએ જણાવ્યું હતું કે જમિયતે દરેક ધર્મના લોકોને ભેગા કરીને એક સારૂં કાર્ય કર્યું છે. ‘હમ’ એટલે હિન્દુ અને મુસ્લિમ આ શબ્દ ભારતનો લાગે છે ત્યારે દેશમાં કોમી એકતા જાળવવા હિન્દુ-મુસ્લિમ સાથે મળીને ચા પીવી અને જમવું જોઈએ. ત્યારે જ આપણે સંદેશો આપી શકીશું કે હિન્દુસ્તાન ‘હમ’ બની ચૂક્યું છે.

 

 

 

આ પ્રસંગે જયંતિ માંકડિયાએ જનમેદનીને સંબોધતાં આઝાદીની લડાઈમાં જેઓ લડ્યા તેમને દેશદ્રોહી કહેવામાં આવે છે અને જેઓએ આઝાદીની લડાઈ લડી જ નથી તેઓ આજે દેશભક્ત થઈ ગયા છે ત્યારે આજે દેશ ઉપર જેટલો બીજાનો અધિકાર છે એટલો દલિતો અને મુસ્લિમોનો અધિકાર છે. અમારે શું ખાવું ? એ અમે નક્કી કરીશું. મુસ્લિમોને કોઈ તકલીફ થાય તો અવાજ આપજો દલિતો મરવા માટે આવી જશે.

 

 

મૌલાના અખ્તર રિઝવીએ જણાવ્યું હતું કે આઝાદીની લડાઈમાં મુસ્લિમોનું પણ યોગદાન રહ્યું છે. જ્યારે જે લોકો આજે તેમના ત્યાં તિરંગો પણ લગાવતા નથી અને જેઓએ તિરંગો સળગાવ્યો હતો તેઓ આજે અમારી પાસેથી દેશભક્તિનું પ્રૂફ માંગી રહ્યા છે. દેશમાં કોમી એકતામાં ભાગલા પડાવવા માટે રાજકીય અગ્રણીઓ આતંકવાદનો મુદ્દો જીવતો રાખીને પોતાના રોટલા શેકવા માંગે છે. જો કે નકસલવાદથી તેમના રોટલા શેકાતા નથી એટલે તેને જીવતો રાખવામાં તેઓને કોઈ રસ નથી. ત્યારે આપણે કોમી એકતા જળવાય તે માટે ખરા અર્થમાં કામ કરવું જ જોઈએ. સર્વે મુજબ મુસ્લિમો કરતાં હિન્દુ સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ વધારે છે ત્યારે જેઓને મહિલાઓની ચિંતા હોય તેઓ પહેલાં પોતાના સમાજની મહિલાઓની ચિંતા કરે પછી બીજાની ચિંતા કરે.

 

અહેમદ લુહારવીએ જણાવ્યું હતું કે ઈસ્લામ કહે છે કે બુરાઈના બદલામાં ભલાઈ કરો તો દુશ્મન પણ દોસ્ત બની જશે. મુસ્લિમો ઈસ્લામના આ સંદેશને અપનાવી લેશે તો દેશમાં જ નહીં દુનિયામાં કોમી એકતા આવી જશે.

જમિયત ઉલમાએ મહારાષ્ટ્રના ગુલઝાર આઝમીએ જણાવ્યું હતું કે દેશની આઝાદીમાં અમારૂં યોગદાન હોવા છતાં આજે મુસ્લિમોને આતંકવાદી કહે છે. ક્યાંય પણ બોમ્બ ફેંકાય તો તે ફેંકનારા બધા જ મુસ્લિમો છે તેવું કહેવામાં આવે છે. જો કે માલેગાંવ કેસમાં તટસ્થ તપાસ કરનારા અધિકારીને લીધે સાધ્વી પ્રજ્ઞા સહિતના લોકોના નામ બહાર આવ્યા પછી હવે કોઈ જગ્યાએ બોમ્બ ફૂટતા નથી. બોમ્બ બ્લાસ્ટ કેસના કેટલાય નિર્દોષ મુસ્લિમોને ખોટા કેસમાં ફસાવીને જેલમાં પૂરી દેવામાં આવ્યા. જેઓને છોડાવવા જમિયતે ઘણી સહાય કરી છે. ભાજપ જ અમારી દુશ્મન નથી પરંતુ કોઈપણ પાર્ટી અમારી દોસ્ત નથી એ આપણે જાણવું જોઈએ.

 

 

મૌલાના હલીમુલ્લાહ કાસમીએ જણાવ્યું હતું કે આજે દેશમાં નફરતની દીવાલો દિવસેને દિવસે ઊંચી કરાઈ રહી છે. જેને રોકવામાં નહીં આવે તો હિન્દુ મુસ્લિમ જ નહીં પણ દેશને તેના માઠાં પરિણામો ભોગવવા પડશે. દેશમાં રહેતા તમામ લોકો એક જ સમાજના છે. એટલે બધા એ હળીમળીને કોમી એકતાની સુવાસ પ્રસરાવવી જોઈએ. તેના માટે આ કોમી એકતા કોન્ફરન્સ જેવા કાર્યક્રમો દેશ અને દુનિયામાં યોજીને એકતા, શાંતિ અને અમનનો સંદેશ આપવો જોઈએ.

 

 

ઈતિહાસ અને જુમલાબાજીથી લોકોને નફરતમાં વહેંચવાનું કામ કરનારાને દૂર રાખવા જોઈએ

દેશના માહોલ પ્રમાણે એકતાને વધુ મજબૂત કરવાની જરૂર છે : તિસ્તા સેતલવાડ

જાણીતા કર્મશીલ તિસ્તા સેતલવાડે કોમી એકતા કોન્ફરન્સને સંબોધતાં કહ્યું હતું કે આજે દેશમાં જે માહોલ છે તેમાં એકતાને વધુ મજબૂત  કરવાની જરૂરિયાત છે. તેમજ મહોબ્બતને કાયમ કરવાની જરૂર છે. દેશની આઝાદીમાં હિન્દુ, મુસ્લિમ, દલિત સહિત બધા સમાજના લોકોનો ફાળો છે તેને આપણે યાદ રાખવો જોઈએ. બંધારણમાં આપણો દેશ એ ભારત દેશ છે. ત્યારે તેને હિન્દુ રાષ્ટ્રનું સપનું દેખાડવું ગેરબંધારણીય છે તે યાદ રાખવું જોઈએ. ઈતિહાસ અને જુમલાબાજીથી જે લોકોને એકબીજા પ્રત્યે નફરતમાં વહેંચવાનું કામ કરે તેને દૂર રાખવા જોઈએ અને કોમી એકતાની સુવાસ પ્રસરાવે તેવા કિસ્સા કાયમ કરવા જોઈએ. જેમ કે અમારા મહારાષ્ટ્રમાં સાવિત્રીબાઈ ફૂલેએ પહેલી મહિલા પાઠશાળા શરૂ કરી તેમાં હિન્દુ, મુસ્લિમ, દલિત અને બ્રાહ્મણ મહિલાઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. એટલે તમામ સમાજે તેમનો બહિષ્કાર કર્યો હતો. ત્યારે પુનાના ઉસ્માન શેખે તેમને સમર્થન આપ્યું હતું અને તેમની બહેન ફાતિમા શેખ તે શાળામાં પ્રથમ શિક્ષક બની હતી. એટલે આજની શાળામાં એવો ઈતિહાસ ભણાવવો ના જોઈએ કે જેનાથી લોકોને વંચિત અને દૂર રખાય. અંતમાં હું એટલું કહેવા માંગું છું કે કોમી એકતાના આવા કાર્યક્રમો યોજાય તેમાં વધુમાં વધુ મહિલાઓ હોવી જોઈએ. એમ કહી તિસ્તા સેતલવાડે મહિલાઓને પણ સમાજમાં કોમી એકતાને કાયમી કરવા માટે માટે આગળ આવવાનું આહ્વાન

કર્યું હતું.

 

કેસરી રંગ બતાવીને ડરાવવાનો પ્રયાસ કરનારા સામે લડવાનો સમય પાકી ગયો

ફિરકાપરસ્ત લોકોની સામે લડવા તમામ સમાજના લોકોએ ભેગા થવું જ પડશે : મો. સુહેલ તિરમીઝી

‘ગુજરાત ટુડે’ પ્રકાશિત કરતા લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટના વાઈસ પ્રેસિડેન્ટ અને એડવોકેટ મોહમ્મદ સુહેલ તિરમીઝીએ જણાવ્યું હતું કે આજે આપણી બદકિસ્મતી છે કે આપણે દેશભક્ત અને વફાદાર હોવાનું બતાવવું પડે છે. જે ઈસ્લામ ધર્મમાં માનવતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તે ધર્મના લોકો આતંકવાદી કેવી રીતે હોઈ શકે ? એટલે આપણે દેશભક્ત છીએ તેનો ખુલાસો કરવાની કોઈ જરૂર નથી. આપણે દેશભક્ત જ છીએ. ફિરકા પરસ્ત લોકોની સામે લડવા તમામ સમાજના લોકોએ ભેગા થવું જ પડશે. હવે સમય પાકી ગયો છે કે કેસરી રંગ બતાવીને ડરાવવાનો પ્રયાસ કરનારા સામે કાયદાની મર્યાદામાં રહીને લડવું પડશે. જૂઠું બોલતાં બોલતાં લોકો આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે તો આપણે સાચું બોલવાથી ડરવું જોઈએ નહીં. વધુમાં મો.સુહેલ તિરાીઝી કોમી એકતા માટે કાર્ય કરી રહેલા એક મિશન સમાન ‘ગુજરાત ટુડે’ અખબારની ભારોભાર પ્રશંસા કરતાં કહ્યું હતું કે પાકિસ્તાની વિરૂદ્ધમાં ભારતમાં પૂતળા દહન કરવામાં આવે છે. તે તો સરહાનીય છે તેવી જ રીતે અન્ય પ્રશ્નોમાં પણ લોકોએ જાગૃત થવાની જરૂર છે પરંતુ અખલાક, ઐયુબ સહિતના લોકોને માર્યા અને ઉનાકાંડ થયો ત્યારે ફિરકા પરસ્ત લોકોની વિરૂદ્ધમાં પૂતળા સળગાવવાનું કામ કોઈએ પણ ના કર્યું તેવો લેખ ગુજરાત ટુડે એ પ્રકાશિત કર્યો હતો. તદ્‌ઉપરાંત મુસ્લિમ આઈએએસ ઓફિસરે શહીદ જવાનની દીકરીને દત્તક લીધી, કેરાલામાં હિન્દુ વ્યક્તિના વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં મુસ્લિમોના યોગદાન જેવા કોમી એકતાના અનેક સમાચાર ‘ગુજરાત ટુડે’એ પ્રકાશિત કર્યા છે અને કરતું જ રહેશે.

 

કોમી એકતા કોન્ફરન્સમાં રાજ્યભરમાંથી મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા

જમિયત ઉલમાએ હિન્દ દ્વારા અમદાવાદમાં યોજાયેલી કોમી એકતા કોન્ફરન્સ ઐતિહાસિક રહી કહીએ તો નવાઈ નહીં. કોમી એકતા માટે મુસ્લિમોએ એકતાના દર્શન કરાવ્યા હતા. રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ઉમટી પડેલા મુસ્લિમ બિરાદરોથી કોન્ફરન્સનું સ્થળ ભરચક જોવા મળ્યું હતું. ત્યારે હવે મુસ્લિમ સમાજ પણ જાણે જાગૃત થયો છે. અત્રે નોંધનીય છે કે રાજકીય અગ્રણીઓ હાજર હોવા છતાં કોઈને પણ સ્ટેજ ઉપરથી પ્રવચન કરવા દેવાયું ન હતું અને સમગ્ર કાર્યક્રમને બિનરાજકીય રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, કોર્પોરેટર ઈકબાલ શેખ સહિત અનેક રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓની હાજરીમાં કોમી એકતા કોન્ફરન્સ યોજાઈ હતી.

 

 

ગુજરાત ટુડે સમાજની તાકાત છે : મુફતી અબ્દુલ કૈય્યુમ

સમાજમાં દબાતા અને કચડી દેવાતા મજલૂમોના પ્રશ્નોને હંમેશાં ઉજાગર કરી તેમના પ્રશ્નોને વાચા આપવામાં ‘ગુજરાત ટુડે’ અખબાર હંમેશાં અગ્રેસર રહે છે. ‘ગુજરાત ટુડે’ અખબાર મુસ્લિમ સમાજની તાકાત છે ત્યારે સમાજે પણ તેની કદર કરી તેને પ્રગતિના પંથે લઈ જવા આગળ આવવું જોઈએ. આપણે ચા, પાન, બીડી જેવા વ્યસન પાછળ મોટી રકમ ખર્ચી નાખીએ છીએ. ત્યારે ગુજરાત ટુડે અખબારને ખરીદીને વાંચો અને વંચાવો ઝુંબેશ લોકોએ સ્વૈચ્છાએ શરૂ કરવી જોઈએ. ગુજરાત ટુડે દિવસેને દિવસે પ્રગતિ કરે તેવી દુઆ કરૂં છું. એમ કહી ગુજરાત ટુડેની ભારોભાર પ્રશંસા કરતા મુફતી અબ્દુલ કૈય્યુમ મન્સુરીએ જણાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મુફતી અબ્દુલ કૈયુમ મનસુરીએ કર્યું હતું. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા તેમણે ભારે જહેમત ઉઠાવી હતી.