અમદાવાદ, તા.૬
અમદાવાદ શહેરમા પણ સ્વાઈન ફ્લુને લઇને સ્થિતિમાં સુધારો થઇ રહ્યો નથી. સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં સ્વાઈન ફ્લુનો કહેર જારી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ૨૪ કલાકમાં સ્વાઈન ફ્લુના લીધે બેના મોત થયા છે અને નવા ૪૨ કેસ નોંધાયા છે. આજે ૪૦ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. હજુ સુધી ૧૮૨૭ દર્દીઓને રજા આપવામાં આવી છે. મળેલા અહેવાલ મુજબ કુલ ૧૪ દર્દીઓ વેન્ટીલેટર પર છે. ૧૧ દર્દી બાયપેક પર, ૩૦ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૧૧૧ દર્દીઓ સ્ટેબલ હાલતમાં છે. ગત માસથી શરૂ થયેલા સ્વાઈનફલૂના કેસ તેમજ આ રોગથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ઘટવાનુ નામ ન લઈ રહ્યું નથી. વધુ બે મોત થવા પામતા આ માસની શરૂઆતથી ૬ દિવસની અંદર કુલ મળીને ૧૭ લોકોના મોત થવા પામ્યા છે.આ અંગેની વિગત એવી છે કે,રાજયની સાથે અમદાવાદ શહેરમા પણ આ વર્ષે ઓગસ્ટ માસની શરૂઆતથી સ્વાઈનફલૂના રોગે કહેર મચાવ્યો છે અમદાવાદ શહેરમા પુરા થયેલા ઓગસ્ટ માસમા પરિસ્થિતિ એવી જોવા મળતી હતી કે શહેરના વિવિધ વિસ્તારોમા રોજ સરેરાશ ૭૦ જેટલા કેસ નોંધાતા હતા જેની સામે ચાર થી પાંચ જેટલા લોકોના મોત થવા પામતા હતા. આ માસની શરૂઆતથી આજદિન સુધીમાં કુલ મળીને ૨૪૪ જેટલા કેસ શહેરમા નોંધાવા પામ્યા છે.આ સાથે છેલ્લા ૨૪ કલાકમા થયેલા બે દર્દીના મોતના આંકને ઉમેરવામા આવે તો છ દિવસમા અમદાવાદ શહેરમા કુલ મળીને ૧૭ દર્દીઓ સારવાર દરમિયાન મોતને પામ્યા છે. અમદાવાદ શહેરમા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત બે સિવિલ હોસ્પિટલોમા મળીને કુલ ૨૨૮ બેડ આઈસોલેશન વોર્ડમા તૈયાર રાખવામા આવ્યા છે. આયુર્વેદિક ઉકાળા વિતરણની સંખ્યા હજુ સુધી સતત વધી છે. આ આંકડો ૮૦૦૨૦૦ લાભાર્થીઓ સુધી પહોંચ્યો છે. આજે ૫૫૯૮ લોકોને ઉકાળો અપાયો હતો. બીજી બાજુ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૫૪૨૩ નંગ ટેમિફ્લુ અને ૪૨૬ શિરપનો જથ્થો ઉપલબ્ધ રહ્યો હતો. હાઉસ ટુ હાઉસ સર્વેના ત્રીજા અને ચોથા રાઉન્ડ મળીને કુલ ૨૫૨૦૧૬૪ ઘરમાં સર્વેનું કામ કરાયું છે જે પૈકી ૨૨૨૩૮ શંકાસ્પદ કેસોમાંથી કેટેગરી બીના કુલ ૫૨૮ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.