અમદાવાદ,તા. ૧૬
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં સ્વાઇન ફલુની વકરેલી પરિસ્થિતિ અને સંખ્યાબંધ મોતના મામલે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ થઇ છે. જેની સુનાવણીમાં આજે હાઇકોર્ટે રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓને આડા હાથે લીધા હતા. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બી.એન.કારીઆની ખંડપીઠે સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને ઝાટકતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં સ્વાઇન ફુલની પરિસ્થિતિ બેકાબૂ બની છે અને આટલા બધા લોકોના મોત થયા છે તે સમગ્ર મામલો ગંભીર છે. સરકાર અને તંત્ર શું કરી રહ્યું છે, કાગળ પર તો બધું સારૂ બતાવાય છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઇક જુદી જ છે. હાઇકોર્ટે સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને સ્વાઇન ફલુને ડામવાના અસરકારક પગલા લેવા મૌખિક નિર્દેશ કર્યો હતો. વધુમાં, હાઇકોર્ટે રાજય સરકાર પાસેથી સ્વાઇન ફલુના મામલે વિગતવાર અહેવાલ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી સોમવાર પર મુકરર કરી હતી. ગયા વર્ષે ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતની રોગચાળાની પરિસ્થિતિના મુદ્દે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટ અરજીમાં જ આ નવી સ્વાઇન ફલુની સ્થિતિ મામલે સિવિલ એપ્લીકેશન દાખલ કરાઇ હતી. જો કે, સ્વાઇન ફુલની હાલની સમગ્ર પરિસ્થિતિને ખૂબ જ ગંભીરતાથી લેતાં હાઇકોર્ટે રાજય સરકાર અને સત્તાવાળાઓને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, સ્વાઇન ફલુના ભયાનક રોગ સામે નિર્દોષ નાગરિકો લડી રહ્યા છે ત્યારે તેના પરીક્ષણ માટે લેબોરેટરીમાં ચારથી પાંચ હજારનો ખર્ચ આવતો હોય છે, તો સામાન્ય માણસ કે ગરીબ માણસને તે કેવી રીતે પોષાય. સરકારે સ્વાઇન ફલુના ટેસ્ટનું ભારણ આમઆદમીના માથે ના નાંખવું જોઇએ. હાઇકોર્ટે સરકારી હોસ્પિટલમાં સ્વાઇન ફલુની સારવાર વિનામૂલ્યે અપાઇ રહી છે પરંતુ ખાનગી હોસ્પિટલમાં કયા પ્રકારની સ્થિતિ છે તે મુદ્દે પણ સરકારને પૃચ્છા કરી હતી. હાઇકોર્ટે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં બેકાબૂ બનેલી સ્વાઇન ફલુની પરિસ્થિતિને ડામવા અને દર્દીઓને અસરકારક સારવાર આપવાના તાત્કાલિક પગલા લેવા નિર્દેશ પણ કર્યો હતો. હાઇકોર્ટે સ્વાઇન ફલુની સમગ્ર પરિસ્થિતિ મામલે સરકાર પાસેથી સોમવાર સુધીમાં વિગતવાર અહેવાલ માંગ્યો હતો અને આ કેસમાં કોર્ટને મદદ કરવા રાજયના એડવોકેટ જનરલ અને એડિશનલ એડવોકેટ જનરલને તાકીદ કરી હતી. સ્વાઇન ફલુ મુદ્દે થયેલી અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં સ્વાઇન ફલુની પરિસ્થિતિ બેકાબૂ બની હોવાછતાં સરકાર અને તેના સત્તાવાળાઓ દ્વારા કોઇ જ અસરકારક પગલા લેવાઇ રહ્યા નથી. સરકાર અને આરોગ્ય તંત્ર આ મામલે સંપૂર્ણ નિષ્ફળ ગયું હોવાના કારણે અત્યારસુધીમાં સંખ્યાબંધ લોકો સ્વાઇન ફલુના ભરડામાં હોમાઇ ગયા છે. આ સમગ્ર પરિસ્થિતિ માટે જવાબદાર સરકારના અધિકારી અને તંત્રના માણસો વિરૂધ્ધ કાર્યવાહી કરવા, સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય સમિતિ નીમવા અને અત્યારસુધીમાં સ્વાઇન ફલુમાં મોતને ભેટેલા દર્દીઓના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવા સહિતની દાદ અરજીમાં માંગવામાં આવી હતી.