(એજન્સી)
રાવલપિંડી, તા.૩૧
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યા કેસમાં એન્ટિ-ટેરરિઝમ કોર્ટે નવ વર્ષ બાદ ચુકાદો આપ્યો છે. પાકિસ્તાનની કોર્ટે બેનઝીર હત્યાકાંડના કેસમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફને ફરાર જાહેર કર્યા છે. તેની સાથે પાકિસ્તાનના લશ્કરી તાનાશાહ રહેલા પરવેઝ મુશર્રફની મિલકતોને ટાંચમાં લેવાનો આદેશ આપ્યો છે. એટીસી દ્વારા રાવલપિંડીના ભૂતપૂર્વ સીપીઓ અને ડીઆઈજી સાઉદ અઝીઝ અને રાવલ ટાઉનના ભૂતપૂર્વ એસપી ખુરેલ શાહઝાદને ૧૭ વર્ષની જેલની સજા ફટકારી છે અને તેમને પ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બંને પોલીસ અધિકારીઓની આદિઅલા જેલમાંથી ધરપકડ કરવામાં આવી છે. જો કે પાકિસ્તાનની એન્ટી ટેરરિઝમ કોર્ટે પ શકમંદોને પુરાવાના અભાવને કારણે કેસના આરોપોથી મુક્ત કર્યા છે. એટીસી દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. આ મામલે ફેડરલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના પ્રોસિક્યુટર ખ્વાજા આસીફ અને શકમંદોના વકીલો દ્વારા કરવામાં આવેલી દલીલોને રાવલપિંડીની એટીસી દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. બેનઝીર ભુટ્ટોનું રાવલપિંડીના લિયાકત બાગની બહાર ર૭ ડિસેમ્બર ર૦૦૭ના રોજ હત્યા કરવામાં આવી હતી. બેનઝીર ભુટ્ટોની ચૂંટણી સભા સંબોધિત કર્યા બાદ હત્યા કરાઈ હતી. ફેબ્રુઆરી-ર૦૦૮માં એફઆઈએને સોંપાયેલા શકમંદોની ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી-ર૦૧૧માં એટીસી દ્વારા મુશર્રફનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું અને ર૦૧૧માં જ ઘોષિત ગુનેગાર જાહેર કરવામાં આવ્યા હતા. તેમની સામે અલગથી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.