બશીરહાટ, તા. ૭
પશ્ચિમ બંગાળમાં ઘણા વિસ્તારોમાં હિંસા ભડક્યા બાદ સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ભાજપ અને આરએસએસ પર આરોપ લગાવ્યો હતો. મુસ્લિમ નેતાઓએ જણાવ્યું હતું કે, ભાજપ અને આરએસએસના કારણે મુસ્લિમો વિરૂદ્ધ દેશભરમાં હિંસામાં વધારો થયો છે. આ સાથે જ નેતાઓએ પોલીસની ટીકા કરતા જણાવ્યું હતું કે, પોલીસ પણ નિષ્ક્રીય બની હતી જો તેમને ફરિયાદ કરવા જઇએ તો તેઓ અમનેે જ પકડીને બેસાડી દે છે. અહેવાલો અનુસાર સંઘના કાર્યકરો પર આરોપ લાગ્યો છે કે, તેમણે મુસ્લિમોને નિશાન બનાવ્યા છે તેમની વિરૂદ્ધ આગચંપી ઉપરાંત મુસ્લિમોના ઘરોમાં તોડફોડ કરવાના ૬૮ કેસો નોંધાયા છે. અહેવાલો અનુસાર સ્થાનિક મુસ્લિમ નેતાએ કહ્યું કે, ઘણા વર્ષોથી બંને સમુદાયો એકબીજા સાથે રહેતા હતા પરંતુ કેટલાક સમયથી બંને વચ્ચે તંગદિલી સર્જાઇ છે. ધાર્મિક સંગઠનના અધ્યક્ષ અબ્દુલ મતીન અનુસાર આ વિસ્તારમાં પહેલા ક્યારેય આરએસએસની હિલચાલ નહોતી પરંતુ હવે આ વિસ્તારોમાં ભાજપ અને આરએસએસની ઉપસ્થિતિ વધી રહી છે. આજ કારણ છે કે, રાજ્ય અને દેશમાં હવે મુસ્લિમો વિરૂદ્ધ હિંસામાં વધારો થયો છે. આ ઘટનાઓને કારણે દેશનો મુસ્લિમ વર્ગ પોતાને અસુરક્ષિત હોવાનું માની રહ્યો છે.