(એજન્સી) કોલકાતા, તા. ૧૬
પશ્ચિમ બંગાળ ફરી એકવાર હિંસામાં હોમાયું છે. ઉત્તર ૨૪ પરગણામાં જિલ્લાના કાંકીનારા અને ભાટપારા વિસ્તારમાં એક હોસ્પિટલ સહિત છૂટાછવાયા વિસ્ફોટ થયા હતા. જોકે, આ બ્લાસ્ટની તિવ્રતા ઓછી હતી અને કોઇ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આ પહેલા પોલીસે ઘણા સ્થળોએ દરોડા પાડ્યા હતા અને આશરે ૫૦ જેટલા દેશી બોમ્બ કબજે કર્યા હતા. સમગ્ર વિસ્તારમાં ધારા ૧૪૪ લાગુ કરી દેવાઇ છે જે અંતર્ગત ચારથી વધુ લોકો એકઠા થઇ શકતા નથી. ઉલ્લેખનીય છે કે, સામાન્ય ચૂંટણી ઘોષિત થયા બાદ પણ રાજ્યમાં મોટાપાયે હિંસાની ઘટનાઓ થઇ હતી. નવા ઘટનાક્રમ અંગે જાણકારી આપતા જગદલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્વોએ વિસ્તારમાં બોમ્બ ફેંક્યા હતા. આનાથી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો છે. આજે તેમણે એક હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. પોલીસ અનુસાર અસામાજિક તત્વોએ ભાટપારા મ્યુનિસિપાલિટી ઓફિસ અને મૈત્રી ભવન હોસ્પિટલની કચેરીમાં પણ તોડફોડ કરી હતી.
હિંસામાં અત્યારસુધી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. બેરાકપુર પોલીસ કમિશ્નરેટના ડેપ્યુટી કમિશનર(ઝોન-૧) અજોય ઠાકુરે કહ્યું કે, કેટલાક અસામાજિક તત્વોએ સોમવારે ત્રણ સ્થળોએ બોમ્બ ફેંક્યા હતા. જોકે, હવે સ્થિતિ સામાન્ય છે. તેમણે કહ્યું કે, વિસ્તારમાં પોલીસ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે. ઘણી દુકાનો, બજારો અને કોમર્શિયલ સેન્ટર્સ બંધ રહેવા પામ્યા હતા. ઠાકુરે કહ્યું કે, પોલીસે વિવિધ નાકા પર ચેકિંગ, પેટ્રોલિંગ અને દરોડા વધારી દીધા છે. આના કારણે ઇસ્ટર્ન રેલવેના સિયાલદાહ ડિવિઝનના બેરાકપુર-નૈહાટી સેક્શનમાં સોમવારે સવારે આશરે બે કલાક સુધી રેલ વ્યવહાર ખોરવાયો હતો. હિંસાનો વિરોધ કરતા કેટલાક લોકો રેલવેના પાટા પર એકઠા થયા હતા. આના કારણે ૧૬ ઇએમયુ ટ્રેન મોડી પડી જ્યારે ૨ ઇએમયુને રદ કરવી પડી ઉપરાંત ત્રણ એક્સપ્રેસ ટ્રેનોને પણ અધવચ્ચે જ અટકાવવી પડી હતી.
બંગાળમાં ફરી હિંસા, હોસ્પિટલ સહિત કેટલાક સ્થળોએ બ્લાસ્ટ, ધારા ૧૪૪ લાગુ

Recent Comments