(એજન્સી) નવી દિલ્હી,તા.૨૭
સરકારની ચેતવણી પછી પણ દેશમાં ગાયોને લઇને હત્યા કરવાનો સિલસિલો ચાલુ જ છે તેવામાં પશ્ચિમ બંગાળના જલપાઇગુરીનો આવો જ એક મામલો સામે આવ્યો છે. અહીં બે મુસ્લિમ યુવકોને ગાય ચોરવાની શંકાના આધારે ગામવાસીઓએ ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યા અનુસાર આ ઘટના શહેરથી આશરે ૧૫ કિ.મી. દૂર દાદોન ગામ પાસે થઇ હતી. આ યુવકો આસામ અને પશ્ચિમ બંગાળના હોવાનું જાણવા મળ્યુ છે. પીડિત રાતના સમયે એક પિકઅપ વેનમાં સાત ગાયોને લઇને ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા, તે સમયે તેઓ રસ્તો ભૂલી ગયા અને વિસ્તારના ચક્કર કાપવા લાગ્યા. વેનના અવાજથી ગામવાસીઓ ઊઠી ગયા અને વેનને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વેન ઊભી ન રહી. પછીથી સ્થાનિક લોકોએ વેનને રોકવા માટે રસ્તો બ્લોક કરી દીધો.
ગામવાસીઓએ બે યાત્રીઓને પકડી લીધા પરંતુ વેનનો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ગામવાસીઓએ થોડા સમય સુધી બંનેની પૂછપરછ કરી અને પછી ગાય ચોરવાની શંકાના આધારે તેમને ઢોર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસ યુવકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગઇ, જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે હજુ સુધી તે વાતની પુષ્ટિ થઇ શકી નથી કે આ યુવકો ગાય ચોર હતા કે પછી પશુઓના વેપારી.