(એજન્સી) બેંગ્લુરુ,તા.૧૬
સોમવારે આખી રાત બેંગ્લુરુ શહેરમાં અણધાર્યો મૂશળધાર વરસાદ પડતાં સવારે જ્યારે લોકો ઉઠ્યા ત્યારે રસ્તાઆ, પાર્કિંગ પ્લોટ જળબંબાકાર થઇ ગયા હતા. કેટલાક સ્થળોએ વીજ પુરવઠો કપાઇ ગયો હતો. આખી રાત પડેલા વરસાદે બેગ્લુરુનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યંુ હતું અને છેલ્લા ૧૦૦ વર્ષમાં ઓગસ્ટમાં સૌથી ભારે વરસાદ એક જ રાતમાં નોંધાયો હતો.
આજે સ્વાતંત્ર્ય દિને જ્યારે સવારે લોકો ઊઠ્યા ત્યારે મૂશળધાર વરસાદને લઇને જળબંબાકાર બનેલા રસ્તાઓ પર અફરાતફરી મચી ગઇ હતી. અનેક સ્થળોએ રસ્તા પર મોટા મોટા ગાબડાં અને ભુવા પડી ગયા હતા અને સેંકડો વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. બેંગ્લુરુમાં માત્ર ત્રણ કલાકમાં રેકોર્ડ બ્રેક ૧૮૦ મી.મી. વરસાદ પડતા સામાન્ય જનજીવન ખોરવાઇ ગયંુ હતું. અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. મૂશળધાર વરસાદને કારણે ઇલેક્ટ્રીકના કેટલાય થાંભલાઓ જમીનદોસ્ત થઇ ગયા હતા અને રહેણાંક વિસ્તારમાં કેબલ લાઇન્સ કપાઇ જતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. માત્ર ત્રણ કલાકમાં પડેલ જોરદાર ઝાપટાને કારણે ગટરો ચોકઅપ થઇ ગઇ હતી અને અનેક રસ્તાઓ પર વરસાદના પાણી બેક મારતાં નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાયા હતા એવું બૃહદ બેંગ્લુરુ મહાનગર પાલિકાના (બીબીએમપી) કમિશનર માંજુથા પ્રસાદે જણાવ્યું હતું. મ્યુનિસિપલ અધિકારીઓને કેટલાક વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા કામચલાઉ નૌકાનો ઉપયોગ કરવો પડ્યો હતો. બીબીએમપી કંટ્રોલ રૂમના અધિકારીએ જણાવ્યું હતું કે અમોને ગટરના પાણી ઓવરફ્લો થવાની સેંકડો ફરિયાદો મળી હતી. બેઝમેન્ટ તેમજ ભોંયતળીયે આવેલા ઘરો અને એપાર્ટમેન્ટમાં પાણી ઘૂસી ગયા હતા. બેંગ્લોરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતાં વાહન વ્યવહાર મંથરગતિએ ચાલતા ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.
કર્ણાટક સ્ટેટ નેચરલ ડિઝાસ્ટર મોનિટરીંગ સેન્ટરના વૈજ્ઞાનિક સીએન પ્રભુએ કબૂલ્યું હતું કે ૧૨૭ વર્ષ બાદ હવામાન મોનિટરીંગ સિસ્ટમ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી ન હતી. અમે મધ્યમ વરસાદ પડશે એવી આગાહી કરી હતી પરંતુ અમારી આગાહી કરતા ૩થી ૪ ગણો વરસાદ પડ્યો હતો એવું પ્રભુએ જણાવ્યું હતું.