(એજન્સી) બેંગ્લુરુ, તા.૧૯
બેંગ્લુરૂના યેલાહાંકા વિસ્તારમાં અત્રે ગેરકાયદે ચાલતા કતલખાનાની તપાસ માટે ગયેલા કોર્ટ કમિશ્નરો, વકીલો, પોલીસ અને ગૌરક્ષકની NGO ટીમ પર ત્યાંના ટોળાએ હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસે ર૩ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
બેંગ્લુરૂના પોલીસ કમિશ્નર ટી. સુનિલકુમારે પત્રકારોને જણાવ્યું કે, ૧૦ વ્યક્તિઓની પોલીસ પર હુમલા અને પોલીસ વાહનને આગ ચાંપવાને લઈ ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટનામાં ત્રણ ગાયો અને એક વાછરડાને બચાવવામાં આવ્યા હતા સાથે ૧૦ જણાની ગાય બચાવો કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટનામાં બેંગ્લુરૂની ટ્રાન્સપોર્ટ બસને પણ નુકસાન થયું જ્યારે પોલીસ વાહનને પણ આગ ચાપવામાં આવી હતી.
આવી જ એક ઘટના ૧૪ ઓક્ટોબરના રોજ પણ બની હતી. જેમાં નંદની અને બીજી બે મહિલા કાર્યકર્તાઓએ ગાયના કતલખાના ચલાવતા લોકો સામે ફરિયાદ કરી હતી. કુમારે જણાવ્યું કે, નંદનીએ એમ પણ જણાવ્યું કે, ત્યાં કોઈ પોલીસવાળા પણ જાય છે. કુમારે આગળ જણાવ્યું કે, આ મામલે પણ તેઓએ ૩ વ્યક્તિઓની ધરપકડ કરી છે.