(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
શહેરના અડાજણના વિસ્તારની સુમન છાયામાં રહેતા મોટાભાઇની પત્નીની હત્યા કરી દિયર ફરાર થઇ ગયો હતો. દિયરે ભાભીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પુત્રને માતા લોહીલુહાણ હાલતમાં મળ્યા બાદ સારવાર અર્થે ખસેડી હતી. જો કે, તેનું મોત નીપજ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, હત્યાનો આરોપી દિયર પરિણીત હતો અને પત્ની છોડી ગયા બાદ મોટાભાઈને દયા આવતા પોતાના ઘરે રાખ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અડાજણના પાલ રોડ પરના સુમન છાયા આવાસમાં રહેતી ૪૫ વર્ષીય આશાબેન દિલીપભાઈ વસાવાનો તેના દિયર હરીશ છના વસાવા જોડે ઝઘડો થયો હતો. ઝઘડો થયો ત્યારે ઘરમાં મહિલા એકલી હતી અને તેનો પુત્ર રાજ નોકરી ગયો હતો. રાજ જ્યારે નોકરીએથી ઘરે જતો હતો દરમિયાન તેને કાકા નીચે મળ્યા હતા. જોકે, ઉપર જતા તેની માતા લોહીલુહાણ હાલતમાં પડેલી હતી. જેને પુત્ર રાજ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. જો કે સારવાર મળે તે પહેલા માતાનું મોત થયું હતું.મરનાર મહિલાનો પતિ દિલીપભાઈ વસાવા સાડીના માર્કેટીંગ માટે હૈદરાબાદ ગયો છે. હાલમાં તેને પત્નીના મોત બાબતે જાણ કરવામાં આવી છે. હત્યારા દિયર હરીશ છના રાઠોડ ગેરેજમાં કામ કરે છે. દિયરે ક્યાં કારણોથી ભાભીની હત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં દિયર ભાગી જતા પોલીસે તેને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.મરનાર મહિલાને એક પુત્ર અને એક પુત્રી છે. જેમાં પુત્રીના લગ્ન થઈ ગયા છે અને પુત્ર નોકરી કરે છે. હાલમાં અડાજણ પોલીસે દિયર હરીશ વસાવા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હત્યારા હરીશ વસાવાના લગ્ન થયા હતા અને પત્ની તેને છોડીને ચાલી ગઈ હતી. જેના કારણે મોટોભાઈને દયા આવી અને તેને પોતાના સાથે ઘરમાં રાખ્યો હતો.