(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૭
જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો મેળો સંપન્ન થયો છે. આ મેળા દરમિયાન અઘટિત કૃત્ય થયાનો બનાવ બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે. મોરબી પંથકના એક બાળક ઉપર પાંચ શખ્સોના સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યએ ફીટકારની લાગણી વરસાવી છે. ગિરનાર પરિક્રમામાં તા.૧૯ નવેમ્બરે જીણા બાવાની મઢી વિસ્તારમાં મોરબી પંથકના બાળક ઉપર પાંચ શખ્સોએ સામૂહિક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું બહાર આવ્યું છે. આ અંગે બાળકના પિતાએ મોડી રાત્રે ફરિયાદ નોંધાવતા ભવનાથ પોલીસે તપાસ શરૂ કરી છે. તાજેતરમાં ગરવા ગિરનાર ફરતે પરિક્રમા યોજાઈ હતી. જેમાં લાખો ભાવિકો જોડાયા હતા. પરંતુ આ પરિક્રમા દરમિયાન પાંચ નરાધમોએ પરિક્રમાની પવિત્રતાને બટ્ટો લગાડ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, મોરબી જિલ્લાના રાજપર ગામનો એક પરિવાર ગિરનારની પરિક્રમા કરવા આવેલ હતો, પરિક્રમા કર્યા બાદ આ પરિવાર પરિક્રમાના પ્રથમ પડાવ જીણા બાવાની મઢી પાસે તેના સગાનું અન્નક્ષેત્ર હોય જેમાં સેવા કરવા રોકાયો હતો. આ વખતે એ પરિવારના રાજપર ગામના હર્ષદ દલપત, નવનીત વશરામ, બાવન દેવશી, જયેશ ભગવાનજી અને જનક રવજી નામના શખ્સો પરિક્રમા કરવા આવેલ અને અન્નક્ષેત્ર ખાતે રોકાઈને તમામે રાતવાસો કરેલ. આ દરમિયાન તા.૧૯ નવેમ્બરની રાત્રીના ૧ર વાગ્યાથી વહેલી સવારના પ વાગ્યા દરમિયાન પાંચેય શખ્સોને વાસનાનો કીડો સળવળતા પાંચેય જણાએ પરિવારના ૧૧ વર્ષની વયના માસૂમ પુત્રને બીવડાવી અને બાળકના મોં ઉપર હાથનો મુંગો દઈ આ શખ્સોએ વારાફરતી બાળક ઉપર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું અને બાળકને ધમકી આપીને ચૂપ કરી દીધો હતો. આ પછી પરિક્રમા પૂર્ણ થતા તમામ પોતાના ગામ પરત ફર્યા હતા, પરંતુ ભોગ બનનાર બાળકે તેના પિતાને પોતાના ઉપર આચરાયેલ અધમકૃત્ય અંગે જણાવતા પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા. આ અંગે બાળકના પિતાએ ગત રાત્રીના ૧.૧પ કલાકે ફરિયાદ કરતા ભવનાથ પોલીસે હર્ષદ દલપત, નવનીત વશરામ, બાવન દેવશી, જયેશ ભગવાનજી, જનક રવજી વિરૂદ્ધ કલમ ૩૭૭ વગેરે મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી. ભવનાથના પીએસઆઈ વી.જે. નાણાવટીએ બાળકના મેડિકલ ચેકઅપની તજવીજ હાથ ધરી તપાસ શરૂ કરી છે.