(સંવાદદાતા દ્વારા) ભૂજ,તા.૩
સયાજીનગરી ટ્રેનમાં અમદાવાદથી ભૂજ આવી રહેલા ભૂજ સ્થિત આર્મીના જવાનનો તા.ર-૮ની રાત્રે ટ્રેનમાંથી થેલો અને તેની એ.કે.૪૭ રાયફલ પણ ગુમ થતા ચકચાર મચી ગઈ હતી. જવાનની રાયફલ ગુમ થવા મુદ્દે સુરક્ષા એજન્સીઓ પણ ગંભીર બની હતી. જો કે અંતે આ રાયફલ ભચાઉ રેલવે મથક નજીકના એક નાળામાંથી મળી આવતાં તંત્રને રાહત થઈ હતી.
કિસ્સાની વિગત એવી છે કે મૂળ અમૃતસર પંજાબના અને હાલમાં ભૂજ કેમ્પ યુનિટ-૩માં ફરજ બજાવતા રણજીતસિંઘ સુખવિંદર સિંઘ તા.ર-૮ના રાત્રે અમદાવાદથી ભૂજ આવવા સયાજીનગરી ટ્રેનમાં બેઠા હતા. વહેલી પરોઢે ટ્રેન જ્યારે કચ્છના સામખિયાળી નજીક પહોંચી ત્યારે તેમની પાસેનો થેલો, યુનિફોર્મ, બે મોબાઈલ અને એ.કે.૪૭ રાયફલ ગૂમ હતી.
આ અંગે જવાને ગાંધીધામ રેલવે મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ મળેલી વિગત મુજબ ભૂજ આર્મીના આ જવાન પોતાની રાયફલની જોધપુર ખાતે મરામત કરાવીને પરત આવતા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો.
બાદમાં જો કે સામખિયાળીથી ભૂજ સુધીની રેલવે લાઈનના વિસ્તારમાં તપાસ કરવામાં આવતા ભચાઉ નજીકથી આ રાયફલ મળી આવી હતી. જો કે જવાનનો થેલો મળવા પામ્યો નથી.