(સંવાદદાતા દ્વારા) ભૂજ,તા.૧૭
ભ્રષ્ટાચાર અને ગુનાખોરી નાબુદ કરવાની વાતો કરતી ભાજપ સરકારના ભચાઉ ખાતેના ભાજપ અગ્રણીની હોટલ અતિથિમાં પોલીસે દરોડો પાડી ૮પ જુગારીઓની ધરપકડ કરી હાઈપ્રોફાઈલ જુગારનો પર્દાફાશ કરીને ભાજપ અગ્રણીઓની પોલ ખોલી નાખી છે. આ જુગારના દરોડામાં ૮પ શખ્સો પાસેથી ૧૧ લાખની રોકડ કબ્જે કરવામાં આવી છે. ઘણા સમયથી હોટલ અતિથિમાં ચાલતી આ જુગાર કલબમાં કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અને છેક રાજસ્થાનથી ખેલીઓ જુગાર રમવા માટે આવતા હતા.
હાઈપ્રોફાઈલ જુગારને ભચાઉ અને કચ્છની સ્થાનિક પોલીસના આશીર્વાદ હતા. જેથી છેક ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા તા.૧૪-૮ના દરોડો પાડવામાં આવ્યો હતો.ત્યારબાદ પૂર્વે કચ્છ પોલીસે પોતાની આબરૂ બચાવવા ભચાઉ પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ જગુભાઈ મંછાર, પોલીસ કોન્સ્ટેબલ રાણપુરી ગોસ્વામીને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે અન્ય બે પોલીસ કર્મીઓની બદલી કરી દીધી છે. પરંતુ પોલીસ અધિકારીઓને બચાવી લેવાયા છે. તેવી ચર્ચા છે.પકડાયેલા ૮પ ખેલીઓ ભચાઉ-ગાંધીધામ સામાખયાળી – મોરબી – અમદાવાદ – રાજસ્થાન – હળવદના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને સમૃદ્ધ લોકોનો સમાવેશ થાય છે. જેઓને તાત્કાલિક જામીન ઉપર મુક્ત પણ કરી દેવાયા છે.ભચાઉની આ જુગાર કલબનો પર્દાફાશ થયા પછી ભાજપ અગ્રણીઓના ગોરખધંધાની પણ પોલ ખુલ્લી ગઈ છે.