અમદાવાદ, તા.૨૮
કોંગ્રેસના તાલાલાના સસ્પેન્ડેડ એમએલએ ભગવાન બારડની સસ્પેન્શન અને પેટાચૂંટણીની રિટ ગુજરાત હાઈકોર્ટે બુધવારના રોજ ફગાવી દીધી હતી. ભગવાન બારડે જે મુદ્દે હાઈકોર્ટમાંથી પછડાટ ખાધા બાદ હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. ગુરૂવારના રોજ ભગવાન બારડ પોતાની અરજી લઈ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. કોંગ્રેસના સસ્પેન્ડેડ એમએલએ ભગવાન બારડને સસ્પેન્શન અને પેટાચૂંટણીની અરજી મુદ્દે હાઈકોર્ટમાં ઝટકો મળ્યો હતો, જે બાદ તેઓએ જાહેરાત કરી હતી કે, તેઓ ન્યાય મેળવવા સુપ્રીમ સુધી પણ જશે. જેથી તેઓએ ગુરૂવારના રોજ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. હવે સુપ્રીમ કોર્ટમાં ભગવાન બારડની અરજી પર સુનાવણી હાથ ધરાશે. હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે, ભગવાન બારડની આ અરજી પર સોમવારે એટલે કે, ૧ એપ્રિલે સુનાવણી હાથ ધરાશે. તેમણે તાલાલા વિધાનસભા પેટાચૂંટણી પર સ્ટેની માંગ કરી છે, જેથી તેઓ કોઈ પણ સંજોગોમાં આ કેસમાંથી પાછા ફરવા માંગતા નથી. તાલાલા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવા અંગેના વિવાદ પર બુધવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે હાલ પૂરતી પેટા ચૂંટણી પર રોક લગાવવાની ભગવાન બારડની માગણી ફગાવી દીધી હતી અને પેટાચૂંટણી પર સ્ટે આપવા ઈનકાર કરી દીધો હતો. જેથી ભગવાન બારડને હાઈકોર્ટમાંથી ફટકો પડ્યો હતો. વધુમાં હાઈકોર્ટ ભગવાન બારડના જામીન મંજૂર કર્યા છે. જેથી તેમની ધરપકડ થઈ શકશે નહીં. બારડ માટે રાહતના સમાચાર છે. હાઈકોર્ટે સુધારો કરી બારડના જામીન યથાવત્‌ રાખવા આદેશ કર્યો હતો.