અમદાવાદ, તા.૧૦
કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડની સજા પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે ફરમાવ્યો છે. આ પહેલા ભગવાન બારડને ભગા બારડ ગત માર્ચમાં ૧૯૯૫ના ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે બે વર્ષ ૯ માસની સજા ફટકારી હતી. જેની સામે ભગવાન બારડે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટે બુધવારે ભગા બારડને બહુ મોટી રાહત આપી હતી અને નીચલી કોર્ટે ફરમાવેલી સજા સામે સ્ટે જારી કર્યો હતો. અગાઉ માર્ચ મહિનામાં ખનીજ ચોરીના ચકચારભર્યા કેસમાં સુત્રાપાડા કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય ભગાવન બારડને બે વર્ષ અને ૯ મહિનાની સજા ફટકારતા વિધાનસભા અધ્યક્ષે ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હતા. જેને પગલે ચૂંટણીપંચે તાલાલા બેઠકની પેટાચૂંટણી જાહેર કરી હતી. તેની સામે ભગવાન બારડ હાઈકોર્ટમાં ગયા હતા. પરંતુ હાઈકોર્ટે બારડની અરજી ફગાવી દીધી. હાઈકોર્ટમાંથી પછડાટ મળ્યા બાદ ભગવાન બારડે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જ્યાં સુપ્રીમ કોર્ટે તાલાલા બેઠકની પેટાચૂંટણી પર રોક લગાવી હતી. દરમ્યાન ભગા બારડે નીચલી કોર્ટે તેમને ફટકારેલી સજા સામે રાહત માટે ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટે બારડની સજા સામે મહત્ત્વનો સ્ટે જારી કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સને ૧૯૯૫ના ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને બે વર્ષ ૯ માસની સજા ફટકારી હતી. લગભગ ૨૫ વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે ૨.૮૩ કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો. જેમાં તેમને તા.૧લી માર્ચ, ૨૦૧૯ના રોજ ઉપરોકત સજા ફરમાવાઇ હતી.