કોડીનાર, તા.૧૩
કોડીનારના આનંદનગર સોસાયટી ખાતે રહેતા જેતુનબેન સેલોતના ઘર ઉપર હુમલો કરવા સંદર્ભે માાજી સાંસદ સહિતના ૩પ જેટલા આરોપી સામે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલ પિટિશનના આધારે હાઈકોર્ટ દ્વારા આ ૩પ આરોપી સામે ગુનો દાખલ કરવા અને તપાસ સી.આઈ.ડી. ક્રાઈમને સોંપવાના કરેલ હુકમ પછી માત્ર ત્રણ આરોપીની ધરપકડ કરી હતી જ્યારે ૩ર આરોપીને પોલીસ પકડી શકતી નહોઈ આ તમામ આરોપીને ભાગેડું જાહેર કરવામાં આવ્યા છે પરંતુ આ તમામ આરોપી કોડીનારમાં ખુલ્લેઆમ ફરતા હોઈ પોલીસ સાથેની મીલીભગત હોઈ તેમને પોલીસ પકડતી નથી. તેવા ખુલ્લા આક્ષેપ સાથે કોડીનારના આર.ટી.આઈ. કાર્યકર્તા મહેશભાઈ મકવાણાએ દક્ષિણ રેંજના આઈજીને પત્ર દ્વારા જાણ કરી છે.
જેતુનબેન સેલોતના ઘર ઉપર આશરે બે વર્ષ પહેલા સાંસદ દીનુ સોલંકી સહિતના ટોળાએ હુમલો કર્યો હતો આ હુમલા અંગે જેતુનબેને કોડીનાર પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ તે વખતના પી.આઈ. પણ આરોપીમાં આવતા હોઈ પોલીસે આ ફરિયાદ લીધી ન હતી. જેથી જેતુનબેન સેલોતે ગુજરાત હારકોર્ટમાં ધા નાખી હતી જેથી હાઈકોર્ટે તમામ પુરાવાને ધ્યાને લઈ ફરિયાદ દાખલ કરવા અને તેની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમ રાજકોટને સોંપી હતી. દરમ્યાન પોલીસે ૩પ પૈકી માત્ર ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને બાકીના ૩ર આરોપી મળી આવતા નહોઈ તમામને ભાગેડું જાહેર કર્યા હતા.
દરમ્યાન આર.ટી.આઈ. કાર્યકર્તા મહેશભાઈ મકવાણાએ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી હતી કે, આ તમામ આરોપી જાહેરમાં ફરે છે પણ પોલીસની સાંઠગાંઠથી તેમને પકડવામાં આવતા નથી આ દરમ્યાન મહેશભાઈ મકવાણા આજરોજ કોડીનાર પોલીસ સ્ટેશને ગયેલ જ્યાં ડી.વાય.એસ.પી. પરમાર અને પી.એસ.આઈ. હેરમા સાથે ઉપરોક્ત ભાગેડું આરોપી પૈકી પ્રકાશ ડોડિયા સાથે બેસેલા હોઈ મહેશભઈએ પોલીસ અધિકારીને જણાવ્યું હતું કે, સાહેબ આ તમારી સામે બેસેલ પ્રકાશ ડોડિયા ભાગેડું આરોપી છે તેને પકડો તો પી.એસ.આઈ.એ જણાવેલ કે, આ કેસ સી.આઈ.ડી. પાસે છે અમારી કોઈ લેવાદેવા નથી એમ કહી આરોપીને ભગાડી મૂકેલ હકીકતે તપાસ કરનાર સી.આઈ.ડી. અધિકારીએ એક પત્ર લખી કોડીનાર પોલીસમાં ૩ર ભાગેેડું આરોપીના નામ સરનામા લખી કોડીનાર પોલીસને જાણ કરી છે કે, આ આરોપી મળી આવે તો તાત્કાલિક સી.આઈ.ડી. રાજકોટને જાણ કરવી તેના બદલે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પી. અને પી.એસ.આઈ. સાથે બેસેલા ભાગેડું જાહેર થયેલા આરોપીને પકડી પાડવાને બદલે ભગાડી મૂકવા ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસ અધિકારી સામે પગલાં ભરવા માગણી કરતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.