(એજન્સી) નવી દિલ્હી,તા.૨
વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગેની સુનાવણી કરી રહેલી બ્રિટનની કોર્ટે ભારતીય વહીવટીતંત્ર પાસેથી આર્થર રોડ જેલની બેરેક નંબર-૧૨નો ત્રણ અઠવાડિયાની અંદર વીડિયો માંગ્યો છે. માલ્યાના બચાવ પક્ષના વકીલે દલીલ કરી છે કે મુંબઈના આર્થર રોડ જેલની બેરેક નંબર-૧૨ની સ્થિતિ વ્યવસ્થિત નથી જ્યાં તેને પ્રત્યાર્પણ બાદ રાખવામાં આવશે. માલ્યાના બચાવ અને ફરિયાદી પક્ષના વકીલોએ જેલની બેરેક નંબર ૧૨ વિશે પોતાના તર્ક આપ્યાં. કોર્ટે સુનાવણી દરમ્યાન ભારતીય બેંકોના ૯૦૦૦ કરોડ રૂપિયા લઈ ફરાર લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણના સંકેત આપ્યા છે. આ કેસની અંતિમ સુનાવણી તારીખ ૧૨ સપ્ટેમ્બરે થશે. માનવ અધિકારો સહિત તમામ લોકશાહી અધિકારો અને સગવડોને કારણે બ્રિટન વિશ્વભરના ભાગેડુ લોકોની પ્રથમ પસંદ બની ગયુ છે. ગુનામાં વોન્ટેડ કેટલાંક ભારતીયોએ પણ તેને પોતાનુ ઠેકાણુ બનાવ્યુ છે. એવામાં માલ્યાના પ્રત્યાર્પણ બાદ તેનો આવવાનો રસ્તો પણ સહેલો થઈ શકે છે. બેરેક નંબર-૧૨માં ફિલ્મ અભિનેતા સંજય દત્ત, મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન છગન ભૂજબળ, શીના બોરા મર્ડર કેસના આરોપી પીટર મુખર્જી અને ૨૬/૧૧ આતંકી હુમલાનો જીવતો પકડાયેલો આતંકી અજમલ કસાબને બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે, અત્યારે પીટર મુખર્જી બંધ છે. લંડન કોર્ટમાં સરકાર તરફથી દાવો કરાયો છે કે આ સેલમાં શુદ્ધ હવા અને લાઈટની વ્યવસ્થા છે.