(એજન્સી) દહેરાદૂન, તા.રર
ઉત્તરાખંડના દહેરાદૂનમાં લવજેહાદના નામ પર ભગવા બ્રિગેડના ગુંડાઓએ એક મુસ્લિમ યુવકની નિર્દયતાથી ધોલાઈ કરી હતી. હિન્દુ સંગઠનોના કાર્યકરોએ એક મુસ્લિમ યુવકની હિન્દુ યુવતી સાથે પ્રેમ કરવા મામલે ધોલાઈ થઈ હતી. સૂત્રો મુજબ યુવક-યુવતી ગત થોડા મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા અને એકબીજાને પ્રેમ કરતાં હતા. આ બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ યુવક મુસ્લિમ હોવાથી હિન્દુવાદી સંગઠનના નેતાઓને આ સંબંધ પસંદ ન હતા અને તેમણે યુવકને પાઠ ભણાવવા માટે તેની શોધ કરી ઢોરમાર માર્યો હતો. બાદમાં તેને આરાધર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. યુવકના પરિવારજનોને આ વાતની જાણ થતાં તેઓ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. તેમણે હિન્દુ સંગઠનના કાર્યકરો વિરૂદ્ધ ફરિયાદ કરતાં બન્ને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો અને મારામારી પણ શરૂ થઈ ગઈ હતી. પોલીસે લાઠીચાર્જ કરી બન્ને પક્ષોને વિખેર્યા હતા.