(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૮
બોરસદ શહેરમાં જીમખાના મેદાન ખાતે બુધવારે બપોરે સમસ્ત દલિત સમાજના ઉપક્રમે રાજ્યભરમાં થઈ રહેલા દલિત અત્યાચારના વિરોધમાં દલિત આક્રોશ સભા યોજાઈ હતી. જેમાં ભાદરણિયા ગામના મૃતક દલિત યુવાનના પરિવારજનો તેમજ રાજ્યભરમાંથી દલિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ન્યાય માટે સમાજ સાથે રહે તે માટે અપીલ કરી હતી. જેમાં દલિતનેતા જીજ્ઞેશ મેવાણીએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સરકારને પાડી દેવાનો રણટંકાર કર્યો હતો. ગુજરાત રાજ્યમાં ભાજપના શાસનમાં થાનગઢ, ઉના, ભાદરણિયા સહિત રાજ્યભરમાં દિવસે-દિવસે દલિતો પર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. જેને લઈને બોરસદ શહેરના જીમખાના મેદાન ખાતે આજે દલિત આક્રોશ સભા યોજાઈ હતી. જેમા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જીજ્ઞેસ મેવાણીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, સરકારે આજની દલિત આક્રોશ સભા યોજાઈ નહી તે માટે મંજૂરી આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો. રાજ્યની ભાજપ સરકારને ડર છે કે, ચૂંટણી માથે છે અને દલિતો ભેગા થશે તો સરકાર ઘર ભેગી થઈ જશે એટલે સરકાર દ્વારા પોલીસ અને વહીવટીતંત્ર પણ દબાણ લાવી પરમિશન આપવામાં અખાડા કર્યા હતા. સરકારે જો સમયસર દલિતો પર થતા અત્યાચાર બાબતે પગલાં ભર્યા હોત તો આજે આપણે ભેગા થવાની જરૂર પડી ન હોત, પરંતુ સરકારને દલિતોમાં કોઈ જ રસ નથી. તેથી આટલા બનાવો બાદ પણ સરકાર પોતાની નીતિ સ્પષ્ટ કરતી નથી અને કુલડીમાં ગોળ ભાંગી રહી છે. રાજ્યની ભાજપ સરકાર દલિતો પર થતાં અત્યાચાર બાબતે કોઈ બાહેંધરી આપવા તૈયાર નથી એટલે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સરકારને પાડી દેવાની છે. ભગવા કપડાં પહેરીને મત માંગવા આવનારાઓને આપણે દોડાવવાના છે. આપણા ફળિયામાં તેઓને પગ પણ મૂકવા દેવાનો નથી. આ જાડી ચામડીના મનુવાદી તત્વોને જાકારો આપવાનો સમય પાકી ગયો છે. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંંટણીમાં ભાજપને હરાવીને ૨૦૧૯ની કેન્દ્રની ચૂંટણીમાં તેઓને હરાવવાની તૈયારીઓમાં લાગી જવાનું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ અને સંઘે દેશમાં વિજય મેળવ્યા બાદ એક દુકાન ખોલી છે. જેમાંથી રોજ તેઓ દેશપ્રેમી અને દેશદ્રોહીના સર્ટીફિકેટ વહેંચે છે. પરંતુ અમારે આવા કોઈ સર્ટીફિકેટની જરૂર નથી. દેશની અન્ય સમસ્યાઓ પર ધ્યાન આપવામાં આવે અને દેશમાં નબળા વર્ગ પર થતાં અત્યાચારો બંધ થાય તે માટે કામ કરવામાં નહીં આવે કે, દુકાનો ખોલીને સર્ટીફિકેટ આપવામાં આવે. આજ દિન સુધી ભાજપે દલિત પીડિત પરિવારોને માત્ર જુઠ્ઠા વાયદાઓ જ કર્યા છે. જે વાયદાઓ કદી પૂરા કર્યા જ નથી. આપણે ભાદરણિયાના જયેશ સોલંકીના પરિવારની સાથે રહી તેઓને ન્યાય અપાવવાનું છે અને દોષિતોને આજીવન કારાવાસ થાય તેવી માંગ કરવાની છે. આ સભામાં રાજ્યમાં જે રીતે દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે. તેને લઈને આગામી ૧૦મી નવેમ્બરના રોજ રાજ્યભરમાં ૩૩ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવશે.