નવી દિલ્હી, તા. ૩૧
તાજમહેલના ગુંબદ અને તેના મિનારા પર ભગવા ઝંડા સાથેનો ફોટો વોટ્‌સએપ પર પોસ્ટ કરી ધાર્મિક લાગણી દુભાવવા બદલ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ઉત્તરપ્રદેશ નવનિર્માણ સેનાના નેતા અમિત જાની અને તેના સાથીદારની ધરપકડ કરી છે. એસટીએફના અધિકારીએ જણાવ્યું હતું કે, વોટ્‌સએપ પર તાજમહેલના ગુંબદ અને મિનારાઓ પર કોમ્પ્યુટરથી બનાવેલા ફોટામાં ભગવા ઝંડા દેખાડી ગ્રૂપમાં પોસ્ટ કરવા બદલ આગ્રામાંથી અમિત જાની અને તેના સાથીની ધરપકડ કરવામાં આવી છે. ચાર સદીઓ જુના મુઘલ સ્મારક વિરૂદ્ધ કટ્ટર રાષ્ટ્રવાદીઓ દ્વારા ચલાવાતા અભિયાન અંતર્ગત આ ધરપકડ કરવામાં આવી છે. જાનીને તાજેતરમાં જ આઇપીસીની કલમ ૧૫૩-બી (રાષ્ટ્રીય એકતા વિરૂદ્ધ સંગઠિત થવું) અને ૨૯૫ (કોઇપણ જાતિના ધર્મ અને ધાર્મિક લાગણી જાણીજોઇને દુભાવવી) અને આગ્રામાં આઇટી એક્ટ અંતર્ગત વિવિધ ધારાઓ અંતર્ગત કેસ નોંધાયા છે. પોતાની વોટ્‌સએપ પોસ્ટ પર જાનીએ તમામ લોકોને વિવિધ હિંદુ જૂથો સાથે જોડાઇ ત્રીજી નવેમ્બરે ૧૭મી સદીના સ્મારક તાજમહેલ આગળ દેખાવો કરવા અપીલ કરી હતી જેના કારણે આગ્રામાં તંગદિલી ફેલાતા તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ હતી. ગત સમાજવાદી પાર્ટીની સત્તા દરમિયાન લખનઉના ગોમતીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના પૂતળાને ખંડિત કરવાના આરોપમાં જાની ૨૦૧૨માં જેલમાં જઇ આવ્યો છે. જાનીનું મૂળ નામ અમિત અગ્રવાલ છે જે મેરઠના જાનિખુર્દનો છે. તાજેતરમાં જ ભાજપના સંગીત સોમે તાજમહેલને કલંક ગણાવી નવો વિવાદ સર્જ્યો હતો.