અમદાવાદ, તા.રર
થોડા દિવસો પહેલાં કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરી કેસમાં દોષિત જાહેર થતાં સસ્પેન્ડ કરાયા હતા. જે મામલે કોંગ્રેસમાં જ નહીં તેમના મત વિસ્તારમાં પણ વ્યાપક પ્રમાણમાં રોષ ભભૂક્યો છે. ભગવાન બારડના સમર્થનમાં આહિર સમાજની ૩થી ૪ હજાર મહિલાઓ આવી છે અને આ મહિલાઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખી ભગવાન બારડને યોગ્ય ન્યાય અપાવવા માટે માંગ કરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળ નજીકના ભાલકાતીર્થ ખાતે દર પુનમના દિવસે આહિર સમાજ દ્વારા કથાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે પૂનમના દિવસે પણ આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાના પ્રસંગમાં ખૂબ જ બહોળી સંખ્યામાં સ્ત્રી-પુરૂષો હાજર રહ્યા હતા. આ પ્રસંગે આહિર સમાજની મહિલાઓએ કથા શ્રવણ કરતા- કરતા ભગવાન બારડને યોગ્ય ન્યાય માટે વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખીને માંગ કરી હતી. આહિર સમાજની મહિલાઓએ રાખડીના આ પોસ્ટકાર્ડ લખ્યાં હતા. આહિર સમાજની મહિલાઓએ પોસ્ટકાર્ડમાં લખ્યું હતું કે, ભગવાન બારડ અમારા મત વિસ્તારના તમામ સમાજના મસીહા છે. અને તેમની સામે કિન્નાખોરી રાખીને તેમને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.