(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૮
વિસાવદર તાલુકાના દૂધાળા ગામ ખાતે બનેલી એક અત્યંત ચકચારી ઘટનામાં બે યુવાનો પિતરાઈ બહેનોને ઝેરી દવા પીવડાવી દેતા બંને યુવતીઓના કરૂણ મોત નિપજતા સમગ્ર વિસાવદર પંથકમાં હાહાકાર મચી ગયો છે. બંને યુવતીઓને ઝેર પીવડાવી દેનાર આરોપી યુવાનો ફરાર થઈ ગયા છે જ્યારે પોલીસ આ બનાવમાં પ્રાથમિક તબક્કે અકસ્માત મૃત્યુ (એ.ડી.) નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર તાલુકાના દૂધાળા ગામ ખાતે બે પિતરાઈ બહેનો ગુલાબબેન રમેશભાઈ ખીમાણીયા (ઉ.વ.૧૯) અને કાજલ મુનાભાઈ આંતરોલીયા (ઉ.વ.ર૦) ગઈકાલે ખેતરમાં કામ કરી રહી હતી. ત્યારે આરોપી યુવકો ભાવેશ ભરત કોળી અને કાના ભનુભાઈ કોળી બનાવના સ્થળ. આવ્યા હતા અને બંને યુવતીઓને તેમની સાથે ભાગી જવા દબાણ કર્યું હતું પરંતુ યુવકોની માગણીઓને તાબે થવાનો યુવતીઓએ ઈન્કાર કરતા આરોપી ભાવેશ અને કાનો ઉશ્કેરાઈ ગયા હતા ત્યારબાદ બંને યુવાનોએ ઉપરોક્ત બંને યુવતીઓ ગુલાબ અને કાજલને છરી બતાવી જમીન ઉપર ઢસડી, વાળ પકડીને ઝેરી દવા પીવડાવી દીધી હતી. આ ઘટનાક્રમ દરમ્યાન બંને યુવતીઓએ બૂમાબૂમ કરી મુક્તા ખેતરમાં કામ કરતા તેમના પરિવારજનો દોડી આવ્યા હતા અને તતકાલ બંનેને ૧૦૮ દ્વારા વિસાવદર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યાંથી જૂનાગઢ હોસ્પિટલ ખાતે રીફર કરતા ગુલાબબેનને ફરજ પરના ડોક્ટરોએ મૃત્યુ પામેલ હોવાનું જાહેર કરી હતી. જ્યારે કાજલની સ્થિતિ ગંભીર હોય તેને સારવાર આપવામાં આવતી હતી પરંતુ આજે સવારે સારવાર દરમ્યાન કાજલનું પણ મૃત્યુ થયું હતું.
આમ ઉપરોક્ત બનાવમાં એક સાથે બંને યુવતીઓના મૃત્યુની ઘટના બનતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ બનાવ અંગે ગુલાબબેનની માતા રેખાબેન રમેશભાઈએ વિસાવદર પોલીસમાં જાણ કરી હતી. આ બનાવ અંગે તપાસનીશ અધિકારી અને વિસાવદરના ઈન્ચાર્જ પી.આઈ. બી.કે. પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં એડીની નોંધ કરવામાં આવી છે. એફએસએલ બોલાવવામાં આવી છે, તપાસ ચાલુ છે, તપાસ બાદ જે કંઈ નોકળશે તે મુજબ ગુનો દાખલ કરવામાં આવશે. જ્યારે આરોપીઓ હાલમાં ફરાર હોવાનું પીઆઈ પરમારે જણાવ્યું હતું. આમ નાના એવા દૂધાળા ગામમાં એક સાથે બે યુવતીઓના મૃત્યુની બનેલી ચકચારી ઘટનાથી સમગ્ર વિસાવદર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.