(એજન્સી) નવી દિલ્હી,તા.૩૦
કેરળ અને બંગાળના રાજકારણ પર સંઘ પ્રમુખ મોહન ભાગવતની ટિપ્પણી બાદ કોંગ્રેસના પી/સી ચાકોએ વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, જેહાદી તાકાતો અને સંઘ પરિવાર જયાં પણ રહેશે, દેશ માટે જોખમ રહેશે. જયાં સુધી કેરળ અને બંગાળની વાત છે, તો બંને રાજયો માટે કોઈ ખાસ શરતો નથી. ચાકોએ કહ્યું કે ભારતમાં ચરમપંથી તાકાતો પોતાના પ્રભાવને વધારી રહી છે, એટલા માટે સરકારનું સંચાલન નબળુ છે. ઉલ્લેખનીય છે કે વિજયા દશમીના પ્રસંગે પોતાના કાર્યકર્તાઓનું સંબોધન કરતા મોહન ભાગવતે કહ્યું હતું કે કેરળ અને બંગાળમાં જે થઈ રહ્યું છે, તે દરેકને ખબર છે. બંને રાજયોમાં જેહાદી તાકાતો વધી રહી છે અને લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ રાજય સરકારો પોતાની જવાબદારી નિભાવતી નથી. ભાગવતના આ નિવેદન પર કોંગ્રેસ નેતાએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પોતાનો એજન્ડા તેથી તે એક સમૂહને નિશાન બનાવી રહ્યું છે, સ્વતંત્ર સમાજવાદી નેતાની નિર્મમ હત્યા વિશે કોઈ કેમ વાત નથી કરતું. સમાજનો એક વર્ગ નફરત વહેંચી રહ્યો છે. તેમણે કહ્યું કે જો તેઓ આ જ રીતે ફરિયાદ કરતા રહ્યા તો ભાગવતને કોઈ ગંભીરતાથી નહી લે. આ લોકોએ વડાપ્રધાનને ફરિયાદ કરવી જોઈએ. ડોકલામ વિવાદ પર ચાકોએ કહ્યું કે જયારથી મુદ્દો ઉકેલાયો, ત્યારથી જ ચીને સત્તાવાર રીતે વિરોધ કરવાનું શરૂ કર્યું. ભાગવતને આ વાતની જાણ નહીં હોય, પીસી ચાકો ઉપરાંત સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીએ મોહન ભાગવતના ભાષણને રાષ્ટ્રીય પ્રસારક દુરદર્શન પર લાઈવ દર્શાવવાને લઈને ટીકા કરી છે. યેચુરીએ ટવીટ કરીને લખ્યું કે આરએસએસ પ્રમુખને રાષ્ટ્રીય ટીવી પર લાઈવ દર્શાવવામાં આવી રહ્યા છે. શું તેમનું ભાષણ ચેક કરવામાં આવ્યું હતું. યાદ રાખો કે આ જ સરકારે ૧પ ઓગસ્ટના રોજ ત્રિપુરાના સીએમનું ભાષણ સેન્સર કરી દીધું હતું. યેચુરીએ કહ્યું કે નાગપુરનું પ્રસારણ દર્શાવે છે કે આ સરકાર લોકશાહી સાથે કેવો વ્યવહાર કરે છે. વિપક્ષના સીએમનું ભાષણ પ્રસારિત થતું નથી, પરંતુ આરએસએસના પ્રમુખનું સંપૂર્ણ જીવંત પ્રસારણ દર્શાવવામાં આવે છે જેને જનતાએ પસંદ પણ કર્યા નથી.