(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૫
શહેરના મૂર્ધન્ય સાહિત્યકાર અને પત્રકાર ભગવતીકુમાર શર્માનું ૮૪ વર્ષની જૈફવયે આજે સવારે ૬ઃ૦૦ વાગ્યે દુઃખદ અવસાન થયું હતું. તેઓના અવસાનના પગલે સુરત સહિત સમગ્ર રાજ્યના સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું ગીત (ધન્ય ધન્ય ધરતી લીલી મંગલ દક્ષિણ ગુજરાત …) લખનાર ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર, નવલકથાકાર, ગઝલકાર એવા ભગવતીકુમાર શર્માએ ગુજરાતી ભાષાના વિવિધ આયામો ઉપર મહારત હાંશલ કરી હતી. જાણીતા ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર ભગવતીકુમાર શર્માનો જન્મ તા.૩૧મી મે ૧૯૩૪ના રોજ સુરતના હરગોવિંદભાઇ અને હિરાબેનને ત્યાં થયો હતો. તેમની નવલકથા ‘અસૂર્યલોક’ને સાહિત્ય અકાદમી એવોર્ડ મળી ચૂક્યો છે. તેમણે નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે વિશાળફલક ઉપર ખેડાણ કર્યું છે. તેમણેે ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ૧૯૫૦માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યારપછી અભ્યાસ છોડી દીધો હતો. પાછળથી વર્ષ ૧૯૬૮માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સ્નાતકની પદવી મેળવી હતી. તેઓ ૧૯૫૫માં ગુજરાત મિત્રનાં સંપાદન વિભાગમાં જોડાયા હતા. તેઓ ૨૦૦૯થી ૨૦૧૧ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા. તેમણેે વર્ષ ૧૯૭૭માં કુમાર સુવર્ણ ચંદ્રક અને વર્ષ ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. તેમણેે ૧૯૮૮માં અસૂર્યલોક નવલકથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
ભગવતીકુમાર શર્માએ પોતાની પહેલી કવિતા ૩૧મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ મહાત્મા ગાંધીના મૃત્યુ સમયે લખી હતી.
વર્ષ ૧૯૯૯માં તેઓને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ડી. લિટ્ટની પદવી એનાયત થઇ હતી. ૨૦૦૩માં તેમને કલાપી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૧૧માં તેમણે પત્રકારત્વ માટે હરિન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર અને સાહિત્યમાં યોગાદન માટે વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પણ મળ્યો હતો. ૧૯૯૯માં તમણેે નચિકેતા પુરસ્કાર પણ મળ્યો હતો. ૨૦૧૭માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહિત્યરત્ન એવોર્ડ મળ્યો હતો. કવિતા, સોનેટ, ટૂંકીવાર્તા, ચરિત્ર વગેરે ક્ષેત્રોમાં સર્જન કરનાર આ સર્જકનું નોંધપાત્ર પ્રદાન નવલકથાઓમાં રહ્યું છે. નવલકથા લેખનમાં ‘ઉધ્વમૂલ’, ‘અસૂર્યલોક’ દીર્ઘ નવલકથાઓ છે. એમની કલ્પનાનિષ્ઠ શૈલી પ્રભાવક છે. તેઓના અવસાનના સમાચાર વાયુ વેગે પ્રસરતા સમગ્ર સાહિત્ય જગત અને સુરત શહેર ઊંડા શોકમાં ગરકાવ થઇ ગયું છે.
સદગતની સ્મશાન યાત્રા આજે સાંજે ૭ઃ૩૦ કલાકે તેમના આનંદ મહલ રોડ ઉપરના પવિત્ર રો હાઉસ ખાતેના નિવાસ સ્થાનેથી નિકળી કુરૂક્ષેત્ર જહાંગીરપુરા પહોંચી હતી. જ્યાં તેમના દેહની અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં સાહિત્યકારો અને સમાજના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.