અમરેલી, તા.૨૫
લાઠી તાલુકાના નારાયણનગર ગામે રહેતા સુધીર ડાયાભાઇ મકવાણા નામના ૨૫ વર્ષીય યુવાને રાત્રે બાજુના કાચરડી ગામના સરપંચ પોપટભાઇની વાડીએ જઇ ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. તેના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, સુધીરના લગ્ન થયા ન હતા અને સાથે સાથે કામ ધંધાનો પણ મેળ પડતો ન હતો. હાલમાં તે મજૂરી કામ કરતો હતો. પરંતુ પૂરતું કામ મળતું ન હોય હતાશામાં આવી તેણે આ પગલું ભર્યું હતું. મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે દામનગર દવાખાને ખસેડાઇ હતી. દરમિયાન બપોર બાદ આ યુવકની ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરાઇ હતી. એ સમયે મૃતક યુવકનો નાનો ભાઇ હરેશ ડાયાભાઇ મકવાણા ભાઇની સળગતી ચિતામાં કૂદી પડ્યો હતો.
જો કે અહીં ૧૫૦ જેટલા લોકો હાજર હતા. જેણે આ યુવાનને બચાવી લીધો હતો અને બાદમા સારવાર માટે ઢસા દવાખાને ખસેડ્યો હતો. હેડ કોન્સ્ટેબલ આર.પી.દેસાણી બનાવની વધુ આગળની તપાસ ચલાવી રહ્યાં છે. મૃતક સુધીરભાઇના ભાઇ મુન્નાભાઇએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે મારો ભાઇ રોજ રાત્રે રસ્તા પર બેસવા જતો. રાત્રે જમીને ગયો હતો. રાત્રે ઘરે ન આવતા અમે શોધખોળ કરી પણ મળ્યો ન હતો. સવારે ગામમાંથી તેના મોત અંગે જાણ થઇ. સરપંચની વાડી અમે ગયા વર્ષે ભાગમાં વાવવા રાખી હતી. રાત્રીના સમયે ત્યાં કોઇ હોતું નથી. તેના અંતિમ સંસ્કાર વખતે નાનો ભાઇ હરેશ ચિતામાં કુદ્યો હતો પણ અમે બચાવી લીધો હતો. તેને ઢસા દવાખાને સારવાર આપી હતી.