ભાવનગર, તા.૧૯
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કાકીડી ગામના તળાવમાં બે સગા ભાઈઓ ડૂબી જતા નાના એવા ગામમાં અને મૃતકના પરિવારજનોમાં શોક અને અરેરાટી પ્રસરી જવા પામી હતી. બંને ડૂબી ગયેલ ભાઈઓના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહુવાના કાકીડી ગામે રહેતા જસુભાઈ બારોટના બે પુત્રો ઓમ અને મોન્ટુ ભેંસ ચરાવવા ગયા હતા. તે વેળાએ નાનો ભાઈ ઓમ જસુભાઈ બારોટ (ઉ.વ.૧૧) ભેંસ ઉપર બેઠો હતો તે વેળાએ ભેંસ તળાવના પાણીમાં ઉતરી જતા ઓમ પાણીના તળાવમાં ડૂબવા લાગ્યો હતો. તે જોતા સગા ભાઈ ઓમને બચાવવા માટે મોન્ટુ જસુભાઈ બારોટ (ઉ.વ.૧૮)એ પણ તળાવના પાણીમાં ઝંપલાવતા બંને ભાઈઓ તળાવના પાણીમાં ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતા તાલુકા વિકાસ અધિકારી ગ્રામજનો સિહતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ડૂબી ગયેલ બંને ભાઈઓના મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.