ઇન્દોર,તા. ૧૩
આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. અંતિમ સંસ્કાર વેળા કેટલીક સેલિબ્રીટીઓ પણ ઉપસ્થિત રહી હતી. બીજી બાજુ ભૈયુજી મહારાજની આત્મહત્યાના મામલામાં આત્મહત્યાની નોંધથી કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. ઇન્દોર પોલીસને મળેલી આત્મહત્યાની નોટ સંકેત આપે છે કે, પારિવારિક ઝગડા આના માટે જવાબદાર હોઇ શકે છે. જેના પરિણામ સ્વરુપે ભૈયુજી મહારાજે પોતાની સંપત્તિ અને બેંક એકાઉન્ટના માલિકી હક પોતાના વિશ્વાસપાત્ર સેવાદાર વિનાયકને સોંપી દીધા છે. ટીવી ચેનલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આત્મહત્યાની નોંધમાં લખવામાં આવ્યું છે કે, તેમની તમામ આર્થિક શક્તિઓ, સંપત્તિ, બેંક એકાઉન્ટ અને તમામ કાગળોનો અધિકાર વિનાયકને આપે છે. કારણ કે વિનાયક ઉપર તેમને વિશ્વાસ છે. આ તમામ બાબતો તેઓ કોઇપણ દબાણ વગર કરી રહ્યા છે. પોલીસે આત્મહત્યાની નોંધ ગઇકાલે જ મેળવી લીધી હતી. ભૈયુજી મહારાજનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે ઇન્દોરમાં સૂર્યોદય આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. ભૈયુજી મહારાજને અગ્નિદાહ તેમની પુત્રી કુહુ દ્વારા આપવામાં આવ્યો હતો. ભૈયુજીએ પોતાના પ્રથમ પત્નિ માધવીના મોત બાદ ગયા વર્ષે આયુષી સાથે લગ્ન કર્યા હતા. પહેલી પત્નિથી તેમની પુત્રી કુહુ છે જે પુણેમાં અભ્યાસ કરી રહી છે. અત્રે નોંધનીય છે કે, જાણિતા આધ્યાત્મિક ગુરુ અને સામાજિક કાર્યકર ભૈયુજી મહારાજે ગઇકાલે પોતાને ગોળી મારીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. તેમના સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ભૈયુજીએ ગઇકાલે ઇન્દોરના ખાંડવા રોડ સ્થિત પોતાના આવાસ ઉપર આપઘાત કરી લીધો હતો. ભૈયુજી મહારાજે આપઘાત કેમ કર્યો તેને લઇને પ્રશ્નોની શરૂઆત થઇ ગઈ હતી. ભૈયુજીએ પોતે પોતાના માથામાં ગોળી મારી લીધી હતી. ભૈયુજી મહારાજની આત્મહત્યાને લઇને એક નોંધ પણ મળી આવી હતી જેમાંથી જાણવા મળ્યું છે કે તેઓ ખુબ જ ટેન્શનમાં દેખાઈ રહ્યા હતા જેના કારણે તેઓએ આપઘાત કરી લીધો હતો. ભૈયુજી મહારાજે પોતાના માથામાં ગોળી મારી લીધા બાદ તેમને તરત જ ઇન્દોરની બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. તાજેતરમાં જ શિવરાજસિંહ સરકારે તેમને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો. જો કે, મધ્યપ્રદેશ સરકારના આ પ્રસ્તાવને તેઓએ સ્વીકાર્યો ન હતો. ભૈયુજી શક્તિશાળી સંત પૈકીના એક હતા. તેમનું વાસ્તવિક નામ ઉદયસિંહ દેશમુખ હતી અને પિતા મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. તેમનું નામ એ વખતે ચર્ચામાં આવ્યું હતું જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન ભુખ હડતાળ ઉપર બેઠેલા અણ્ણા હજારને મનાવી લેવા માટે યુપીએ સરકારે તેમનો સંપર્ક કર્યો હતો. જ્યારે તેઓ નાની વયમાં હતા ત્યારે સિયારામ શૂટિંગ માટે પોસ્ટર મોડલિંગ કરી રહ્યા હતા. તલવારબાજી, ઘોડેસવારી અને ખેતીનું કામ પણ કરતા હતા. તેઓ ફેસ લીડર તરીકે પણ હતા. ભૈયુજીએ પ્રથમ પત્નિના મોત બાદ ગયા વર્ષે બીજા લગ્ન કર્યા હતા. ગયા વર્ષે ૩૦મી એપ્રિલના દિવસે આયુષી નામની મહિલા સાથે ભૈયુજીએ લગ્ન કરી લીધા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું છે કે, ઘરમાં લડાઈ ઝગડાના કારણે તેઓ પરેશાન હતા. ભૈયુજીના મોબાઇલ ફોન અને લેપટોપ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તેમાં તપાસ થઇ રહી છે. બીજી બાજુ એ મહિલા અંગે પણ માહિતી મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે જે એક દિવસ પહેલા તેમને મળી હતી.