(એજન્સી) તા.૨૩
‘મારા પતિ અને પુત્ર કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલા ન હતા. તેઓ એક અકસ્માત બાદ અથડામણમાં મૃત્યુ પામ્યા હતા. તે રાજકીય હત્યા ન હતી.’ ૫૨ વર્ષના લાલમોહન મોહાતોની પત્ની અને તેમના ૨૭ વર્ષના પુત્ર દીપક મોહાતોની માતા ફુલબોરીદેવીએ ધ્રુજતા અવાજે તેમના પ.બંગાળના પુરુલિયા જિલ્લામાં આવેલા નિવાસસ્થાને ‘ધ ક્વિન્ટ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. લાલમોહન અને દીપકની ૧૧ જુલાઇના રોજ તેઓ જ્યાં રહેતા હતા તે પુરુલિયાના તુરુહુલુ ગામ નજીક તેમની હત્યા કરાઇ હતી. તેમના મૃત્યુના થોડા કલાકો પહેલા બીજેપી ટ્‌વીટર હેન્ડલ પર સતત એવા દાવા કરવામાં આવ્યા હતા કે બંને ભાજપના ઓબીસી કાર્યકરો હતા કે જેમની શાસક તૃણમૂલ કોંગ્રેસ દ્વારા હત્યા કરવામાં આવી છે. ૧૨ જુલાઇના રોજ ભાજપ દ્વારા જારી કરવામાં આવેલ અખબારી યાદીમાં જણાવાયું હતું કે લાલમોહન અને દીપકની ટીએમસી દ્વારા હત્યા કરવામાં આવી હતી કારણ કે તેમણે પંચાયતમાં મિનીકેત ચોખાના વિતરણમાં ટીએમસીના કહેવાતા ભ્રષ્ટાચાર સામે વિરોધ કર્યો હતો.
પ.બંગાળના ભાજપના પ્રમુખ દિલીપ ઘોષે ટ્‌વીટ કર્યુ હતું કે જો કે પરિવારે એવો દાવો કર્યો છે કે એક અકસ્માત બાદ અન્ય પાર્ટી સાથેની તકરારમાં બંનેના મૃત્યુ થયા હતા. તેમણે ઘોષના ટ્‌વીટમાં દર્શાવ્યા મુજબ વિરોધની વાત ક્યાંય સાંભળી ન હતી. બંને નાનકડો ટ્રાન્સપોર્ટ બિઝનેસ ચલાવતા હતા એ તેનાથી સાત સભ્યોના પરિવારનો જીવનનિર્વાહ ચાલતો હતો. મંડપો બાંધવા માટે જરુરી સામગ્રીનું તેઓ પરિવહન કરતા હતા.
તેમના પરિવારે જણાવ્યું હતું કે તેમણે પોલીસમાં ફરિયાદ પણ કરી નથી. આમ બીજી બાજુ ભાજપ બંગાળમાં આ બંનેની હત્યાને રાજકીય લાભ ખાટવા માટે વટાવી રહ્યા છે. પંચાયત ચૂંટણીઓ થઇ ત્યારથી ભાજપ એવો દાવો કરે છે કે એકલા પુરુલિયા જિલ્લામાં તૃણમૂલ દ્વારા તેના ચાર કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. ત્યારે આંકડા અનુસાર આ મૃત્યુ બે મહિનાના સમયગાળામાં થયા હતા. ૩૦ મે,ના રોજ ૧૮ વર્ષના ત્રિલોચન મોહાતોનું મૃત્યુ થયું હતું ત્યારબાદ દુલાલકુમારનું મૃત્યુ થયું હતું.
બંને પરિવારો આ માટે ટીએમસીને જવાબદાર ગણે છે. જ્યારે ભાજપ મૃતક લાલમોહન અને દીપકને પણ તેમના કાર્યકર ગણાવીને રાજકીય કાર્ડ ખેલી રહ્યો છે ? એવો એક સવાલ ઊભો થયો છે. દીપક મહાતોની બહેને ક્વીન્ટને જણાવ્યું હતું કે તેમણે ભાજપને મત આપ્યો હતો તે વાત સાચી પરંતુ તેનાથી આગળ તેણે કઇ કહ્યું ન હતું. તૃણમૂલ કોંગ્રેસની તેમાં કોઇ ભૂમિકા નથી.