(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
સરથાણાના યોગીચોક વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષની યુવતિ સાથે બળાત્કાર ગુજારનારા જયંતિ ભાનુશાળી સામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાયા બાદ પીડિતાનું સીઆરપીસી-૧૬૪ મુજબનું નિવેદન ૧૬માં એડિશનલ સિવિલ જજ જે.પી.અઢિયાની કોર્ટમાં ૨જી ઓગસ્ટના રોજ બંધ બારણે લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ-૨૦૧૭માં પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી દ્વારા ફેશન ડિઝાઈનિંગનો કોર્ષ કરવાની ઈચ્છા ધરાવનાર સરથાણા યોગીચોકની યુવતિ સાથે અમદાવાદ તથા ગાંધીનગર હાઈવે પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સરથાણા પોલીસ મથકે જયંતિ ભાનુશાળી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ થયા બાદ ડીસીપી લીના પાટિલે સીઆરપીસી-૧૬૪ મુજબ પીડિતાનું નિવેદન નોંધવા માટે ચિફ કોર્ટ સમક્ષ એક અરજી કરી હતી. જેની સામે ચિફ કોર્ટ આ નિવેદન નોંધાવા માટે ૧૬મા એડિશનલ સિવિલ જજ જે.વી. અઢિયાની કોર્ટમાં અરજી મોકલી આપી હતી. હવે તા. ૨જી ઓગસ્ટના રોજ બપોર પછી પીડિતાનું કોર્ટ બંધ બારણે નોંધશે એવું સૂત્રો દ્વારા જાણવા મળે છે.